મોરબી,મોરબીમાં રામનવમી પર્વે ફરાળી લોટની વાનગીઓ ખાધા બાદ ૨૫ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. ફરાળી લોટની વાનગીઓ ખાધા બાદ ૨૫ જેટલા લોકોને ઉલટી અને ચક્કર આવવા લાગ્યા. જે બાદ અસરગ્રસ્તોએ અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર લીધી અને હાલ તમામની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે.
આ તરફ પંચમહાલમાં ગોધરા SRP ગ્રુપ ૫ ખાતે તાલીમાર્થી યુવાનોને પણ ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. ગઈકાલે રાત્રે રોજિંદા ક્રમ મુજબ ભોજન બાદ ૧૮ યુવાનોને ઉલટી, ઉબકા અને માથું દુખવા સહિતની અસર થઈ છે. યુવાનોની તબિયત લથડતા તેમને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓ સારવાર હેઠળ છે. હાલમાં તમામ તાલીમાર્થી યુવાનોની તબિયત સુધારા પર છે. તો અરવલ્લીના ભિલોડા ગામે ખીલોડા પ્રાથમિક શાળામાં ખોરાકી ઝેર મુદ્દે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે શાળાની તપાસ કરી છે. શાળાના મિડ ડે મિલના સ્ટોકની તપાસ કરતા વિદ્યાર્થીઓને સડેલા ચણા આપતા હોવાનું સામે આવ્યુ છે. વળી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને ઘઉં તેમજ ચોખામાં પણ જીવાત જોવા મળી હતી. જે બાદ ખાદ્ય પદાર્થોના નમુના લઈ તેના પરિક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે.