પોર્ન સ્ટારને પૈસા આપવાના મામલે ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં, પ્રથમ વખત પૂર્વ રાષ્ટ્રપતિ સામે કેસ થશે !

વોશિગ્ટન,પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા ચૂકવવાના મામલામાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે કાર્યવાહી કરવામાં આવશે. ન્યૂયોર્ક ગ્રાન્ડ જ્યુરીએ ટ્રમ્પને દોષિત ઠેરવવાના પક્ષમાં મતદાન કર્યું છે. આ કિસ્સામાં, જ્યુરીએ તેનો અહેવાલ સીલબંધ પરબિડીયામાં મેનહટનની કચેરીને સુપરત કર્યો છે.

‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના અહેવાલ અનુસાર, આગામી દિવસોમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કાર્યવાહીની જાહેરાત કરવામાં આવશે. જો ટ્રમ્પ વિરુદ્ધ ટ્રાયલની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે, તો તેઓ અમેરિકાના એવા પહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હશે જેમની વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ સામે કેસ ચલાવવાની ભલામણને ટ્રમ્પ માટે મોટો આંચકો માનવામાં આવે છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૨૪માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે ગયા વર્ષે જ જાહેરાત કરી હતી કે તેઓ ૨૦૨૪માં ફરી એકવાર ચૂંટણી લડીને પોતાનું નસીબ અજમાવશે.

આ સમગ્ર મામલે ટ્રમ્પનું નિવેદન પણ સામે આવ્યું છે. ટૂથ સોશિયલ પ્લેટફોર્મ પર લખતાં ટ્રમ્પે કહ્યું કે તેમની સામેના આરોપોની ન્યૂયોર્કમાં નિષ્પક્ષ સુનાવણી થઈ શકે નહીં. તેણે જ્યુરીની પસંદગી પર પણ સવાલ ઉઠાવ્યા છે. ટ્રમ્પ ન્યુયોર્કથી આવે છે પરંતુ તેઓ અન્યત્ર રહે છે.

તેમણે સમગ્ર મામલાને ખોટો ગણાવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ અમેરિકન લોકોની સાથે ઉભા છે, તેથી તેમના પર આવા આરોપો લગાવવામાં આવ્યા છે અને તેઓ જાણે છે કે ન્યૂયોર્કમાં નિષ્પક્ષ સુનાવણી થઈ શકે નહીં.

ટ્રમ્પે વધુમાં કહ્યું કે, હું માનું છું કે તેઓ આગામી ચૂંટણીમાં જો બાઈડન ઉપર ભારે પડશે. અમેરિકાના લોકો સમજે છે કે કટ્ટરપંથી અને ડાબેરી ડેમોક્રેટ્સ શું કરી રહ્યા છે. બધા તેને જોઈ રહ્યા છે.

ટ્રમ્પ વિરુદ્ધ કાર્યવાહીને લઈને ભારતીય અમેરિકન અને રિપબ્લિકન નેતા નિક્કી હેલી અને વિવેક રામાસ્વામીએ દાવો કર્યો છે કે પૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ બદલાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે આ દિવસને દેશના ઈતિહાસ માટે કાળો દિવસ ગણાવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પર તેમના તત્કાલિન વકીલ માઈકલ કોહેન દ્વારા ૨૦૧૬ની યુએસ ચૂંટણીના એક મહિના પહેલા પોર્ન સ્ટાર ડેનિયલ્સને ઇં૧૩૦,૦૦૦ ચૂકવવાનો આરોપ છે. અત્યાર સુધી બધું બરાબર હતું પરંતુ મામલો ત્યાં જ અટકી ગયો જ્યારે ટ્રમ્પે કોહેનને પૈસા ચૂકવ્યા. તેમણે તેને કાનૂની ફી ગણાવી. અહીંથી જ ટ્રમ્પની મુસીબતોની શરૂઆત થઈ અને તેમના પર દસ્તાવેજો સાથે ચેડા કરવાનો આરોપ લાગ્યો, જેને ન્યૂયોર્કમાં ગુનો માનવામાં આવે છે.