રાજ્યમાં જ્યારે-જ્યારે કોઈ મોટી આગની ઘટના સામે આવે છે ત્યારે ફાયર વિભાગનું ચેકિંગ શરૂ થાય છે. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ પછી રાજ્યનો ફાયર વિભાગ જાગ્યો હતો અને અલગ-અલગ જગ્યા પર ફાયર સેફટીની સુવિધાઓને લઇને તપાસ શરૂ કરી હતો. આ ઘટના પછી અમદાવાદમાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયા પછી ફાયર વિભાગ હરકતમાં આવ્યો હતો અને હવે ફરી એક વખત અમદાવાદમાં ફાયર વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર કોમ્પ્લેક્ષમાં આગની ઘટના બની હતી. આ ઘટનામાં એક પછી એક એમ 20 કરતા વધારે દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાને પગલે ફાયરના જવાનોએ ઘટના સ્થળ પર પહોંચીને ભારે જાહેમદ બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
રિપોર્ટ અનુસાર વહેલી સવારે સમયે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યાન શિખર કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ આગ એટલી ભીષણ હતી કે, જોતજોતામાં આગે એક પછી એક 20 જેટલી મોબાઈલની દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને કરતા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ફાયરની 13 ગાડીઓએ પાણીનો મારો ચલાવીને શોપિંગમાં લાગેલી આગને ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયરના જવાનોને ભારે જાહેમદ બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આગ ઓલવ્યા બાદ ફાયરના જવાનોએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મોબાઈલની દુકાનમાં રહેલી તમામ એસેસરીઝ બળીને ખાખ થઇ ગઈ હતી.
આગની ઘટના જે શોપિંગ સેન્ટરમાં બની હતી, તે શોપિંગની ઉપર રહેણાક વિસ્તાર પણ આવેલો હોવાના કારણે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયરના જવાનોએ બે કલાક ભારે જાહેમદ ઉઠાવવી પડી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, જે દુકાનમાં આગ લાગી હતી તે દુકાનની આસપાસની દુકાનોની બહાર મોટા-મોટા સાઈડબોર્ડ આવેલા હોવાના કારણે આગ ઝડપથી શોપિંગમાં ફેલાઈ હતી. સવારના સમયે આ ઘટના બની હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી. એક વિગત એવી પણ સામે આવી રહી છે કે, શોપિંગ સેન્ટરમાં આવેલી ચાની દુકાનના ગેસ સીલીન્ડરમાં આગ લાગી ત્યારબાદ વાયરના કારણે આગ આગળ પ્રસરી અને મોટા સાઈડ બોર્ડથી આગ વધારે ફેલાઈ હતી. હાલ તો આ બાબતે FSL દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.