મોરબી,મોરબીનાં શનાળા ગામ નજીક સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા વોચ ગોઠવીને દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, અને દારૂ અને ટ્રક સહિત ૧૯.૩૧ લાખના મુદ્દામાલ સાથે આઇશર ચાલકની ધરપકડ કરવામાં આવી છે તેમજ આઠ ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા શનાળા ગામ નજીકથી ૨૫૦ પેટી વિદેશી દારૂ ભરેલ આઇશર પકડી પાડ્યું છે. અને ૧૨ લાખ ૧૮ હજાર ૩૮૦ રૂપિયાનો દારૂ,૭૩૩૦ રૂપિયા રોકડા,રૂ. ૫૦૦૦નો એક મોબાઈલ ફોન તથા આઇશર ટ્રક સહિત કુલ ૧૯,૩૧,૧૯૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. તેમજ આઇશર ચાલક કલ્પેશ ઉર્ફે લાલો હર્ષદભાઈ લગારિયા (રહે.જૂનાગઢ)ની ધરપકડ કરાઈ છે. તેમજ તેની પૂછપરછ કરતા વિદેશી દારૂ મંગાવનાર ધીરેન અમૃતલાલ કારિયા (રહે.જૂનાગઢ), શ્યામ આહીર (રહે ગોંડલ), ધીરેન કારિયાનાં ડ્રાઈવર ઉદય દવે (રહે.જૂનાગઢ), ડ્રાઈવર રાહુલ અને આઇશર માલિક તેમજ દારૂ મંગાવનાર અને મોકલનાર મળી કુલ આઠ શખ્સોના નામ ખુલતા તેઓને વોન્ટેડ જાહેર કરી તમામની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આરોપી ધીરેન કારિયા અને કલ્પેશ હર્ષદભાઈ લગારીયા વિરૂદ્ધ ભૂતકાળમાં પણ ગુનાઓ નોધાઇ ચૂક્યા છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલે મોરબી શહેર એ ડિવિઝન પોલીસ મથકે તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
આ કામગીરીમાં સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિલપ્ત રાય ની સુચનાથી ડીવાયએસપી કે ટી કામરિયાનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર. એ.જાડેજા ની ટીમ દ્વારા આઇશર ટ્રક પકડી પાડવામાં આવી હતી. એટલું જ નહિ રાજકોટના પડધરી નજીકથી પણ આં જ આરોપીઓની ૧૪૪ પેટી ભરેલી બોલેરો કારને પણ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડી ઝડપી લીધી હતી. ઉલ્લેખનિય છે કે આ દારૂ મંગાવનાર ધીરેન કારિયા મૂળ જૂનાગઢનો છે અને આગાઉ પણ અનેક વખત વિદેશી દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે ત્યારે મોડી રાત્રીના જુદી જુદી બે જગ્યાએ મળી રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલને કુલ ૫૪૪ પેટી વિદેશી દારૂ નો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે.