અમદાવાદ,આઇપીએલ ૨૦૨૩ની શરુઆતને ગણતરીના કલાકો બાકી છે. તે બધા વચ્ચે ફેન્સમાં આઈપીએલને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૧૦ ટીમના ૨૪૩ જેટલા ખેલાડીઓ ૧ મહિનાથી વધારે સમય સુધી ૭૦ લીગ મેચ રમશે. તમામ ટીમોને ખેલાડીઓને ઓવરલોડ ન કરવા માટે કહેવામાં આવ્યું છે જેથી ખેલાડીઓ આગામી ડબ્લ્યુટીસી અને ડબ્લ્યુસી ૨૦૨૩ માટે તૈયાર રહે. તાજેતરમાં ઘણા ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે જેના કારણે બીસીસીઆઇ કડક બન્યું છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ વખતે આઇપીએલમાં જીપીએસ ઉપકરણોની મદદથી ખેલાડીઓની ફિટનેસ પર નજર રાખશે.
બધા ખેલાડીઓએ તેને પ્રેક્ટિસ અને રમત દરમિયાન આ ઉપકરણ પહેરવું જ પડશે. આ ઉપકરણ ખેલાડીની ફિટનેસ સંબંધિત લગભગ ૫૦ વિવિધ પ્રકારની માહિતી આપશે. આ માહિતીમાં ખેલાડીનું એનર્જી લેવલ,સ્પીડ ,હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર વગેરેનો સમાવેશ થાય છે.ડિવાઈઝ એ પણ જણાવશે કે,જેનાથી આગળ વર્કલોડ પ્લેયરને ઈજા પહોંચાડી શકે છે.
આઇપીએલમાં ભારતીય ખેલાડીઓની ફિટનેસ પર નજર રાખવા માટે બીસીસીઆઇની એજીએમમાં ત્રણ મહિના પહેલા વર્કલોડ મેનેજમેન્ટનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આઇપીએલ પુરી થયા પછી તરત જ ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે. આ ઉપરાંત ઓક્ટોબર-નવેમ્બરમાં વનડે વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે. આવી સ્થિતિમાં, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સીનિયર અને મહત્વપૂર્ણ ખેલાડીઓને ઇજા ન થાય તે માટે ફ્રેન્ચાઇઝીઓ સાથે વર્કલોડ મેનેજમેન્ટ પર કામ કરવામાં આવશે.
આઇપીએલમાં વર્કલોડ જીપીએસ ડિવાઇસનો ઉપયોગ કરવાનું સૌથી મોટું કારણ એ છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા તેના મહત્વના ખેલાડીઓ પર ખાસ નજર રાખશે. ટીમ ઈન્ડિયા હાલમાં તેના મુખ્ય ખેલાડીઓ ઈજાઓથી ઝઝૂમી રહ્યા છે.જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ગયા વર્ષે ટી ૨૦ વર્લ્ડ કપ અને એશિયા કપમાં રમી શક્યો ન હતો. તે શ્રેયસ અય્યર પણ પીઠની ઈજાને કારણે આઇપીએલમાંથી બહાર છે. બુમરાહ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમવું મુશ્કેલ છે. તે જ સમયે, ઐયર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા ફિટ થવાની શક્યતા પણ ઓછી છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા માંગતું નથી.
આ સિવાય બીસીસીઆઈ આગામી વર્લ્ડ કપ ૨૦૨૩ માટે પસંદ કરાયેલા ૨૦ ખેલાડીઓને લઈને પણ ચિંતિત છે, તેઓ આશા રાખી રહ્યા છે કે આઈપીએલ દરમિયાન આમાંથી કોઈ પણ ખેલાડીને ઈજા ન થાય. દરમિયાન બોર્ડ મોહમ્મદ સિરાજ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર), મોહમ્મદ શમી (ગુજરાત ટાઇટન્સ), શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ (કોલકાતા નાઈટ રાઈડર્સ), દીપક ચહર (ચેન્નઈ સુપર કિંગ્સ), કુલદીપ યાદવ અને અક્ષર પટેલ (દિલ્હી કેપિટલ્સ), રવિચંદ્રન અશ્ર્વિન અને યુઝવેન્દ્ર ચહલ (રાજસ્થાન રોયલ્સ) અને ભુવનેશ્ર્વર કુમાર, ઉમરાન મલિક અને વોશિંગ્ટન સુંદર (સનરાઈઝર્સ હૈદરાબાદ) જેવા બોલરો પર નજર રાખશે.