અમેરિકી આર્મીના બે હેલિકોપ્ટર સામસામે ટકરાયા, ૯ લોકોના મોત

વોશિગ્ટન,અમેરિકાના કેન્ટુકીમાં તાલીમ દરમિયાન બે બ્લેક હોક હેલિકોપ્ટર અથડાયા હોવાના અહેવાલ છે. આ ઘટનામાં તેમાં સવાર ૯ લોકોના મોતની આશંકા છે. સ્થાનિક ગવર્નર એન્ડી બેશિયરે આ બાબતે માહિતી આપતા જણાવ્યુ કે, આ ફોર્ટ કેંપબૈલથી આ દુખદ સમાચાર છે.

યુએસ સૈન્ય બ્લેક હોક હેલિકોપ્ટર કેન્ટુકી-ટેનેસી બોર્ડર પરના બેઝ પર ડાઉનટાઉન નેશવિલથી ૬૦ માઇલ ઉત્તર-પશ્ર્ચિમમાં અથડાયા છે. આ અમેરિકાની ૧૦૧મી એરબોર્ન રેજિમેન્ટ અને ૧૬૦મી સ્પેશિયલ ઓપરેશન્સ એવિએશન રેજિમેન્ટનો બેઝ છે. અહીં નિયમિત તાલીમ દરમિયાન આ ભયાનક દુર્ઘટના બની છે. દુર્ઘટના બાદ એક સ્થાનિકે WKDZ રેડિયોને જણાવ્યુ કે, બંને હેલિકોપ્ટર ખૂબ જ નીચે આવી ગયા હતા અને ઉપર ઉડતી વખતે અચાનક ધડાકો થયો. અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે વિસ્ફોટ પછી તરત જ અમે તે સ્થળે પહોંચ્યા જ્યાં તો બે હેલિકોપ્ટરને સળગતા જોયા.

કાઉન્ટીના જેલર જેમ્સ હ્યુજેસે રેડિયો સ્ટેશનને જણાવ્યું કે, તે ઘટનાસ્થળથી લગભગ અડધો માઇલ દૂર હતા અને તેણે અકસ્માત સાંભળ્યો અને પછી તે ઘટનાસ્થળે ગયા. ફોર્ટ કેંપબૈલના પ્રવક્તા નોન્ડિસ થુરમેને પુષ્ટિ કરી છે કે, અકસ્માત ૬૮ નજીક ટ્રિગ કાઉન્ટીમાં બુધવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ થયો હતો. એરક્રાટ બે બ્લેક હોક હેલિકોપ્ટર હતા, જે ૧૦૧મા એરબોર્ન ડિવિઝન દ્વારા સંચાલિત હતા. ક્રૂ મેમ્બર્સ નિયમિત તાલીમ મિશન દરમિયાન વિમાન ઉડાવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની. ઘટનામાં ૯ લોકો માર્યા હોવાની શક્યતા છે.