નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્યમાં કોરોનાની રસીના માટેની તૈયારીઓ અંગે વિગતવાર માહિતી આપી છે. તેમણે કહ્યું કે, કુલ 3,96,000 આરોગ્ય કર્મચારીઓને સૌ પ્રથમ રસી આપવામાં આવશે. પોલીસ કર્મચારીઓ સહિતના બીજા વોરિયર્સને બીજા તબક્કામાં રસી મળશે. અને ત્રીજા તબક્કામાં 50થી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે. મતદાન મથકોની જેમ 47,796 વેક્સિન બૂથ ઊભા કરાશે. અને 15,534 કર્મચારીઓની ફોજ યુદ્ધના ધોરણે કામગીરી કરશે. વેક્સિનેશન અંગે DyCM ચિતાર આપ્યો હતો.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા સંપૂર્ણ તૈયાર કરી દીધી છે. પ્રાયોરિટી વાળા નાગરિકોની યાદી પણ બનાવી દેવામાં આવી છે. કોરોનાના રસીકરણ મામલે સમગ્ર નેટવર્ક ગોઠવવા માટે ભારત સરકારે આપેલી સૂચના મુજબ કામગીરી કરી દેવામાં આવી છે. ભારત સરકાર ગુજરાતમાં જે રીતે પુરવઠો ફાળવવા છે તે મુજબ વ્યક્તિને આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અધ્યક્ષતામાં બનેલી કોર કમિટીમાં વેક્સિન આપવા માટે કરવામાં આવેલી સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના સચિવોની એક કમિટી બનાવવામાં આવી છે.
છેવાડાના માણસો સુધી રસી પહોંચે તેવી તૈયારી
નીતિનભાઈએ કહ્યું કે, કોરોનાની વેક્સિન ગ્રામ્ય સ્તર સુધી આપવામાં આવશે. આ સંપુર્ણ કામગીરી ભારત સરકારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં વેકસીન ઉપલબ્ધ થશે ત્યારે સૌથી પહેલા આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા તમામ પ્રકારના મેડિકલ સ્ટાફને પ્રથમ તબક્કે વેક્સિન આપવામાં આવશે, જેમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે ખાનગી હોસ્પિટલના સ્ટાફને પણ પ્રથમ વેક્સિન આપવામાં આવશે. આમ 2.71,000 રાજ્ય સરકારનો તમામ મેડિકલ સ્ટાફ સાથે આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનોની સંખ્યા થાય છે જ્યારે ખાનગી હોસ્પીટલમાં કુલ 1.25.000. આરોગ્ય કર્મચારીઓ છે. જેમાં ડોક્ટરો અને તમામ પ્રકારનો સ્ટાફ સામેલ છે. ગુજરાતમાં કુલ 3.96.000. આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલને પ્રથમ વેકસીન આપવામાં આવશે ત્યારબાદ પોલીસ વિભાગ અને કોરોનાની કામગીરીમાં સંકળાયેલા અન્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓને આપવામાં આવશે. ત્યાર બાદ ૫૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો અને ગંભીર બિમારીથી પિડાતા 50 વર્ષથી નીચેના વ્યક્તિઓને તબક્કાવાર વેક્સિન આપવામાં આવશે. રાજ્યના 33 જિલ્લા અને તમામ તાલુકા ઉપરાંત મહાનગરપાલિકાઓમાં ટાસ્કફોર્સ ની રચના કરી દેવામાં આવી છે.
ગુજરાત સરકારને રસીની જાળવણી માટે ૧૫૦ જેટલા ફ્રીજ આપવામાં આવ્યા
DyCMએ કહ્યું કે, વેકસીનની જાળવણી માટે કોલ્ડ ચેઈન બનાવી દેવામાં આવી છે. આ ઉપરાંત વિતરણનું માળખું પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. રાજકોટ ઉપરાંત ગાંધીનગર અમદાવાદ ભાવનગર સહિત મહાનગરોમાં મોટા મોટા કોલ્ડસ્ટોરેજ બનાવવામાં આવશે. રાજ્યમાં 2189 અલગ અલગ PHC/ CHC સેન્ટરો ઉપર પણ રસીનું સ્ટોરેઝ કરવામાં આવશે. ગુજરાત સરકારને રસીની જાળવણી માટે ૧૫૦ જેટલા ફ્રીજ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ૯ વોલ ડીપ કુલર, 2 રેફ્રિજરેટર વેન આપી છે. જેમાં માઇનસ 8 ડીગ્રી સુધીની વ્યવસ્થા ઉપલબ્ધ છે. 2469 જેટલા ડીપ ફ્રીજ પણ ઉપલબ્ધ છે.
નાગરિકોને SMS થી તારીખ, સ્થળ અને સમયની જાણકારી અગાઉથી અપાશે
નીતિનભાઈના જણાવ્યા મુજબ 85 હજારથી વધુ વેકસીન કેરિયર ઉપલબ્ધ છે. જ્યારે નાગરિકોને વેકસીન આપવા માટે ગુજરાતમાં 47,796 સેન્ટરો નક્કી કરી દેવામાં આવ્યા છે, જેમાં નાગરિકોને SMS થી તારીખ, સ્થળ અને સમયની જાણકારી અગાઉથી અપાશે. આ કામગીરી માટે 15,534 જેટલી ટીમો રસીકરણ કરશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વેકસીનનું કામ જ્યાં સુધી પુરૂ થાય નહીં ત્યાં સુધી દરરોજ રિવ્યુ કરશે. વેકસીનનો ખર્ચ ફંડ અથવા સરકારના બજેટમાંથી કરવાની પુરી તૈયારી સરકારની છે. રાજ્યમાં 100 વ્યક્તિઓએ સ્વૈચ્છિક ટ્રાયલ પુરા કર્યા છે હજુ સુધી કોઈ આડઅસર થઈ હોવાનું સરકારના ધ્યાને નથી આવ્યું તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.