દાહોદ,સદગુરૂ કબીર સાહેબની અસીમ કૃપાથી કબીર મુકતા આશ્રમ ખાતે પ.પૂ. મહંત સુમરનદાસજી સાહેબના કરકમળો દ્વારા પરમ પૂજ્ય મહંત પ્રિતમદાસજી સાહેબ, સમાધિ મંદિર માંજલપુર ,વડોદરા અને પ.પૂ.મહંત પંકજદાસજી સાહેબ, સાધના મંદિર વડોદરા અને પ.પૂ. મહંત છગનદાસજી સાહેબ કબીર મંદિર, જેસાવાડા તથા પ.પૂસંત યોગેશ્ર્વરબાપુ, શિવ શક્તિ રામદેવ અલખધામ ગંગાધરા સુરતની ખાસ ઉપસ્થિતિમાં ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. પ.પૂ.મહંત સુમરનદાસ સાહેબના કર કમળો દ્વારા આનંદ આરતી, સાત્વિક યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં પધારેલ તમામ સંતો-મહંતો ભક્તોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
મહંત સાહેબો દ્વારા સદ્દગુરૂ કબીર સાહેબના આધ્યાત્મિક જીવન મૂલ્યોને જીવનમાં ચરિતાર્થ કરવા માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મૂલ્યનિષ્ઠ જીવન અપનાવી જીવન સફળ બનાવવા આશિર્વચન આપ્યા હતા. વ્યસનોથી દૂર રહી સાત્વિક જીવન જીવવા આહવાન કર્યુ હતું. આનંદ આરતીમાં ભક્તવયે ભક્તો દ્વારા સાધુ જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો અને સદગુરૂ કબીર સાહેબના સૂચવેલા માર્ગે જીવન જીવવા પ્રયાણ પગલું ભરવા આહવાન કર્યુ હતું.
આ પ્રસંગે પી.એમ.પટેલ, ચીમનભાઈ તથા મંગાભાઈને પ.પૂ. મહંત સુમરનદાસજી સાહેબ દ્વારા સાધુ દીક્ષા આપીને નવા નામકરણ કરવામાં આવ્યું હતું. જેમાં પર્વતભાઈ પટેલને પ્રભુદાસજી સાહેબ તથા ચીમનભાઈ સાહેબને ચેતનદાસજી તેમજ મંગાભાઈને મનહરદાસજી સાહેબ નામ જાહેર કર્યા હતા. આ પ્રસંગે કિરણસિંહ ચાવડાને પ.પૂ.મહંત સુમરનદાસજી સાહેબ દ્વારા સાલ પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સર્વે સંતો-મહંતો જતી સતી ભાવિક ભક્તોને આશિર્વચનની પુષ્પ પાંખડી સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી છૂટા પડ્યા હતા.