શહેરા,શહેરા વનવિભાગ એ બામરોલી ગામ પાસેથી લીલા પંચરાઉ લાકડા ભરેલી ટ્રક પકડી પાડી હતી. વન વિભાગે લાકડા અને ટ્રક મળીને ત્રણ લાખનો મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
શહેરા વન વિભાગના આર.એફ.ઓ. રોહિત પટેલને બાતમી મળેલ હતી કે, બામરોલી થી નરસાણા તરફના જતા રસ્તા પરથી પંચરાઉ લાકડા ભરેલી ગાડી નીકળવાની છે. બાતમીના આધારે આર.એફ.ઓ રોહિત પટેલ એ ગુણેલી રાઉન્ડ ફોરેસ્ટર એન.જી.સોલંકી તેમજ બીટગાર્ડ એ.એસ.પરમાર તથા એમ.જી. ડામોર સહિતના સ્ટાફને જરૂરી સૂચનો આપવા સાથે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા માટે જણાવવામાં આવ્યું હતુ. વન વિભાગનો સ્ટાફ બામરોલી ગામના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે પંચરાઉ લાકડા ભરેલી ટ્રક નંબર GJ-02-Y-6237ને આવી રહી હતી. તેને ઉભી રખાવીને તેના ચાલક પાસે પાસ પરમિટ માંગતા મળી ન આવી હતી. જેથી પાસ પરમીટ નહિ હોવા છતાં લાકડા ભરેલ હોવાનુ વન વિભાગનાં ગુણેલી રાઉન્ડ ફોરેસ્ટર એન.જી.સોલંકીને માલુમ થયું હતું. પંચરાઉ લાકડા ભરેલ ટ્રકને તાલુકા મથક ખાતે આવેલી વન વિભાગની કચેરી ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવવા સાથે લાકડા અને ટ્રક મળીને રૂપિયા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. વન વિભાગના આર.એફ.ઓ. રોહિત પટેલ દ્વારા બે નંબરી લાકડા ભરેલ વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા લાકડા ચોરોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.