કાલોલ તળાવ કિનારેના ગેરકાયદે મકાનો તોડાયા

કાલોલ,કાલોલ નગરમાં રૂ.364 લાખના ખર્ચે તળાવના બ્યુટિફિકેશનની કામગીરીની મંજુરી સાથે તળાવ ઉંડુ કરવાની કામગીરી ચાલી રહી છે. જે કામગીરી અનુસંધાને પાલિકા દ્વારા તળાવ કિનારે આવેલા 15 થી 16 ગેરકાયદે મકાનોને તોડી પાડવામાં આવતા સાત મકાન ધારકોએ જિલ્લા કલેકટર સમક્ષ ફરિયાદ કરી છે.

કાલોલ નગરની મઘ્યમાં આવેલા તળાવનુ શહેર વિકાસ યોજના અંતર્ગત બ્યુટિફિકેશન પ્રોજેકટ માટે રૂ.364 લાખ ફાળવીને માપણી સહિતની કામગીરી શરૂ કરાતા હાલ પ્રાથમિક તબકકે તળાવ ઉંડુ કરવાની કામગીરી ચાલી રહી છે. આ તળાવના પાછલા બે તબકકામાં અંદાજિત 15થી 16 ગેરકાયદે મકાનો હતા. જેના પર પાલિકાએ જેસીબી ફેરવીને તોડી પાડયા છે. જે પૈકીના સાત મકાનોના રહિશોએ મામલતદાર અને જિલ્લા કલેકટર સમક્ષ લેખિત રજુઆત કરી છે. આ અરજદારોએ કરેલી રજુઆત મુજબ તેમને ઈન્દિરાનગર વસાહતને ધોરણે સનદ ફાળવેલી છે. જેથી એ મકાનોમાં વર્ષોથી વસવાટ કરે છે. પરંતુ આ મકાનોમાં તળાવના પાણી ભરાઈ જવાને કારણે અરજદારો સ્થળાંતર કરી અન્ય જગ્યાએ વસવાટ કરવાની મજબુરી હોવાનુ જણાવીને મકાનોને અનુરૂપ અન્ય જગ્યાએ કાયમી વસવાટની જગ્યા ફાળવવાની રજુઆત કરાઈ છે. જોકે અરજદારની ફરિયાદના પગલે કાલોલ પાલિકાના ચીફ ઓફિસરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ છે કે, સરકારી તળાવના કિનારાના તોડી પાડેલા મકાનોની અરજદારો પાસે જે સનદ હોવાની વાતો કરાય છે તે ખોટી છે હાલ પ્રોજેકટ અનુસાર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.