વીર સાવરકર પર હુમલો કરવાથી રાજ્યમાં વિપક્ષી ગઠબંધનને નુક્સાન થશે.: શરદ પવાર

મુંબઇ,સાવરકર પર રાહુલ ગાંધીની ટિપ્પણીને લઈને વિપક્ષની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ હાજરી આપી ન હતી. આ મામલે શરદ પવારે ગાંધી પરિવારને સલાહ આપી હતી કે કોંગ્રેસે શિવસેનાના નેતાઓ માટે ભાવનાત્મક વિષય પર બોલવાનું ટાળવું જોઈએ. તમને જણાવી દઈએ કે, ૨૦૧૯માં પવારે વૈચારિક રીતે અલગ કોંગ્રેસ,એનસીપી અને શિવસેનાને એક્સાથે લાવીને મહા વિકાસ અઘાડી ગઠબંધનની રચના કરી હતી.

સાવરકર પર રાહુલની ટિપ્પણી બાદ મહારાષ્ટ્ર ગઠબંધનમાં તિરાડ જોવા મળી રહી છે. જેને જોતા શરદ પવારે આ મામલે હસ્તક્ષેપ કર્યો છે. તેમણે આ અંગે સોનિયા અને રાહુલ ગાંધી બંને સાથે વાત કરી હતી. પવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના આદરણીય વ્યક્તિ સાવરકરને નિશાન બનાવવાથી રાજ્યમાં વિપક્ષી ગઠબંધનને કોઈ ફાયદો થશે નહીં. આ વિષય પર તેને મોટું નુક્સાન થઈ શકે છે. તો વધુમાં પવારે સલાહ આપતા કહ્યું કે, વીર સાવરકર આરએસએસના સભ્ય નથી. તેમણે કહ્યું કે વિપક્ષની અસલી લડાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સાથે છે, આપણે આ મુદ્દાથી હટવું જોઈએ નહીં. તેમણે વધુમાં કહ્યું કે આપણે લોકશાહીના મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ અને વિવાદો ટાળવા જોઈએ અને વાસ્તવિક મુદ્દાઓને વળગી રહો.આપને જણાવી દઈએ કે, આ બેઠકમાં વિપક્ષના ૧૮ પક્ષોએ ભાગ લીધો હતો. જેનો હેતુ રાહુલ ગાંધીને ગુજરાતની અદાલતે બે વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ ગેરલાયક ઠેરવવા મુદ્દે કોંગ્રેસ સાથે એક્તા દર્શાવવાનો હતો.

માનહાનિના કેસમાં બે વર્ષની સજા થયા બાદ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે તેઓ સરકારથી ડરતા નથી, તેથી તેઓ માફી નહીં માંગે કારણ કે તેમનું નામ ગાંધી છે, સાવરકર નથી અને ગાંધી ક્યારેય કોઈની માફી માંગતા નથી.

રાહુલના આ નિવેદનથી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાહુલ પર નારાજગી વ્યક્ત કરી હતી. અને કહ્યું કે સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન કરનારાઓને અમારી પાર્ટી સહન નહીં કરે. જેના કારણે તેઓ સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી નેતાઓની બેઠકમાં હાજર રહ્યા ન હતા.