ઝાલોદ નગરમાં ચૈત્રી નવરાત્રિના આઠમ નિમિત્તે માતાજીના મંદિરમાં હવન અને મહાઆરતી યોજાઈ

  • ખોડિયાર માતા મંદિર અને મહાકાળી માતા મંદિરે ભાવિક ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા.

ઝાલોદ,

ઝાલોદ નગરમાં ખોડિયાર માતાનું મંદિર અને મહાકાળી માતાનું મંદિર ખૂબ પૌરાણિક છે. નગરના લોકો ખૂબ આસ્થા અને ભક્તિભાવ સાથે નવરાત્રિ નિમિત્તે બંને મંદિરોમાં દર્શન કરવાનો લ્હાવો અચૂક લે છે. દરેક માઈ ભક્તો ચૈત્રી નવરાત્રિ નિમિત્તે નવે નવ દિવસ મંદિરે દર્શન આરતી કરવા જતા હોય છે. ભાવિક ભક્તો માતાની તન મન અને ધનથી સેવા પૂજા કરતા જોવા મળે છે.

ખોડિયાર માતા મંદિર અને મહાકાળી મંદિરે આજ રોજ 29-03-2023 બુધવારના દિવસે ચૈત્રી નવરાત્રીની અષ્ટમી નિમિત્તે સવારથી જ માઈ ભક્તોનો ઘસારો જોવા મળતો હતો. માઈ ભક્તોનો દર્શન કરવા માટે લાંબી લાઈન લાગો હતી. સહુ કોઈ ભાવિક ભક્તો માતાના દર્શન કરી પોતાને ધન્ય સમજતા હતા. સવારથી જ મંદિરમાં પૂજા આરતી, ભજન રાસગરબા જેવા પ્રોગ્રામો મંદિરે યોજાયા હતા. ખોડિયાર માતા મંદિર અને મહાકાળી માતાના મંદિરે અષ્ટમી નિમિત્તે હવન યોજાયો હતો. હવન પત્યા બાદ મહાઆરતી પણ યોજાઈ હતી. નગરના લોકોએ મંદિરે જઈ હવન અને આરતીનો લાભ લીધો હતો. મંદિરનું પ્રાંગણ બોલ માડી અંબે જય જય અંબેના જયઘોષ સાથે ગુંજી ઉઠયું હતું. ભાવિક ભક્તો માતાની અષ્ટમી નિમિત્તે માતાના પ્રાંગણમાં ગરબા રમતા જોવા મળ્યા હતા. મંદિરનું વાતાવરણ ભાવિક ભક્તો દ્વારા ભક્તિમય કરી દેવામાં આવ્યું હતું. મોટા ભાગના માઈ ભક્તો પોતાના પરિવારમાં પણ અષ્ટમી નિમિતે માતાની આરતી અને માતાના સ્વરૂપના રૂપે બાળકીઓને પ્રસાદી જમાડે છે. આમ, ચૈત્ર મહિનામાં આવતી આઠમનું અનેરૂં મહત્વ જોવા મળે છે.