વડોદરામાં હોટલમાં રુમ બુક કરાવી ફાઇનાન્સરનો રહસ્યમય સંજોગોમાં આપઘાત

વડોદરા,વડોદરામાં સવા સાવલી રોડ પર આવેલી હોટલમાં ફાઇનાન્સરે રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાના પગલે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી છે.

વડોદરાના સમા સાવલી રોડ પર આવેલી રોયલ કિંગ હોટેલમાં ફાયનાન્સર ધર્મેશ પરમારે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી છે. ઝેરી દવા પી લેવાના કારણે ફાઇનાન્સર ધર્મેશ પરમારનું મોત થયું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ધર્મેશ પરમાર ફાઇનાન્સની સાથે સોનાના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હતા અને તેઓ સમા વિસ્તારની આકાશ ગંગા સોસાયટીમાં રહેતા હતા.

ધર્મેશ પરમાર હોટલમાં પહોંચીને પોતાના ઘેર મહેમાન આવવાના હોવાનું જણાવીને હોટલમાં રુમ બુક કરાવી હતી. જો કે ધર્મેશ પરમારે કેમ આપઘાત કર્યો તે વિશે હજું નક્કર કારણ મળતું નથી. ધર્મેશ પરમારે વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કર્યો છે કે કેમ તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ મૃતક ધર્મેશ પરમારે કહ્યું કે મારો ભાઈ ક્યારેય આપઘાત ન કરી શકે. ધર્મેશ ભાઈ હોટલમાં કેમ ગયા એ એક રહસ્ય છે. મૃતક આર્થિક રીતે ખૂબ સદ્ધર હતા તો પછી આપઘાત કેમ કર્યો તેની તપાસ થવી જોઈએ. ધર્મેશ પરમારે અચાનક આપઘાત કરી લેતા પરિવારમાં આઘાત ફરી વળ્યો છે.