માસ્ક ન પહેરનારાઓને જાણો હવે કેવી સજા આપવામાં આવશે, ગુજરાત હાઈકોર્ટે કર્યો આદેશ

રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસના કેસને લઈને સરકાર તથા તંત્ર તરફથી અવારનવાર માસ્ક પહેરવા માટે લોકોને અપીલ કરવામાં આવે છે. પણ કેટલાક બેદરકાર લોકોને આ વાત ગળે ઊતરતી નથી. આ મુદ્દાને ધ્યાને લઈને રાજ્યની ગુજરાત હાઈકોર્ટે એક મોટો અને મહત્ત્વનો આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને ફરજિયાત કોવિડ કેર સેન્ટરમાં 5થી 10 દિવસ સુધી, છથી સાત કલાક સુધી સેવા આપવી પડશે.

ગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેર્યું હોય તો કોવિડ કેર સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસનું જાહેર નામું બહાર પાડવા માટેના પણ આદેશ આપ્યા છે. ગુજરાત હાઈકોર્ટના આ આદેશ બાદ સરકારના મંત્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓએ આ વિષય પર કેબિનેટમાં ચર્ચા-વિચારણા કરી છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ સરકારની એક મહત્ત્વની બેઠક શરૂ થઈ ગઈ છે. માસ્ક નહીં પહેરનારને હવેથી જે તે રાજ્ય કે શહેરના કોવિડ કેર સેન્ટરમાં સતત છથી સાત કલાક સુધી સેવા આપવાની રહેશે. જોકે, પોલીસ તંત્ર તરફથી પણ સમયાંતરે માસ્ક ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. જેમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી આર્થિક દંડ લેવામાં આવતો હતો. હવેથી માસ્ક વગર જે કોઈ વ્યક્તિ ઝડપાશે એને નજીકના કોવિડ કેર સેન્ટરમાં સેવા આપવાની રહેશે. એવો હાઈકોર્ટે આદેશ આપ્યો છે. જોકે, ઘણા લોકો હાઈકોર્ટના આ આદેશને સમર્થન આપી રહ્યા છે. આ આદેશથી માસ્ક ન પહેરનારા લોકો માસ્ક પહેરીને જ બહાર નીકળશે.

બીજી તરફ આ આદેશનો કોઈ રીતે ઉલાળીયો ન થાય એ માટે હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે, આ વિષયને લઈને એક અઠવાડિયામાં એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે. જેને લઈને સરકારે એક મહત્ત્વની બેઠક બોલાવી છે અને અમલવારી સામે આયોજન કરવા માટે વિચારણા શરૂ કરી દીધી છે. જેમાં સરકારના કેટલાક મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે. આ આદેશને ધ્યાને લઈને સરકારે એક ચોક્કસ આયોજન જાહેર કરશે એવી પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે. જોકે, ઘણા લોકોએ આ આદેશને ઘણો સારો નિર્ણય ગણાવ્યો છે. જેથી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકશે. કોરોના વાયરસ સામે જીત મેળવવા અને સંક્રમણની ચેઈન તોડવા માટે માસ્ક અનિવાર્ય છે. હજું પણ ખાસ કરીને ફોર વ્હીલ ચલાવતી વખતે લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે. લોકો આ મહામારીને સામાન્ય ન સમજી ગંભીરતાથી લે એવી પણ અપીલ કરવામાં આવી છે.