સુરત,સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલા તાતીથૈયામાં થયેલા બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં મહત્વનો ચૂકાદો આવ્યો છે. બારડોલી સેસન્સ કોર્ટે મુખ્ય આરોપી દયાચંદ ઉમરાવ પટેલને ફાંસીની સજા સંભળાવી છે. તો અન્ય આરોપી કાલુરામ જાનકી પ્રસાદ પટેલને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
સુરતમાં એક પછી એક માસુમ બાળકી સાથે દુષ્કર્મ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ તમામ ઘટનાના ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવતા હોય છે. ત્યારે બારડોલીના જોળવા ગામે થયેલી બાળકી સાથે દુષ્કર્મની ઘટનામાં બારડોલી સેશન્સ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. મુખ્ય આરોપી દયાચંદ ઉમરાવ પટેલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. અન્ય આરોપી કાલુરામ પટેલને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
કોર્ટે સમગ્ર કેસમાં અલગ અલગ ૪૨ જેટલા સાક્ષીઓના નિવેદન લીધા હતા. તમામ સાક્ષીઓ પોતાના નિવેદ પર અડગ રહ્યા હતા. સરકારી વકીલ તરફથી પણ ધારદાર દલીલો કરવામાં આવી હતી. આ દલીલો અને સાક્ષીઓના નિવેદનને ધ્યાને લઇને બારડોલી સેશન્સ કોર્ટ દ્વારા આ સજા સંભળાવવામાં આવી છે.સમગ્ર ઘટનાની વાત કરીએ તો ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૨માં આ બનાવ બન્યો હતો. જોળવા ગામમાં આરોપીઓએ ૧૧ વર્ષની બાળકી પર બળાત્કાર બાદ હત્યા કરી હતી અને તેને રૂમમાં પુરી ફરાર થઇ ગયા હતા. પરિવારે બાળકીને શોધી કાઢી અને તેને સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ વાસનાનો શિકાર બનેલી માસૂમ બાળકીએ સારવાર મળે તે પહેલા જ તેના શ્ર્વાસ છોડી દીધા હતા.
૨૦ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ બાળકી ઘરમાં એકલી પડતાં જ હવસખોરો તેના પર તૂટી પડ્યા હતા. પલસાણા તાલુકાના જોળવા વિસ્તારમાં ૨૦ ફેબ્રુઆરીના રોજ ઔદ્યોગિક એકમોની ધમધમતા જોળવાના પરપ્રાંતીય વિસ્તારમાં રહેતું એક દંપતી મિલમાં મજૂરી કામ કરી પોતાની બે બાળકીઓ સાથે જીવન ગુજરાન ચલાવતુ હતુ. ૨૦ ફેબ્રુઆરીએ દંપતી નોકરી ઉપર ગયું હતું. જ્યારે બંને બાળકી ઘરમાં એકલી હતી. સાંજના સમયે ૭ વર્ષની નાની બાળકી બિસ્કિટ લેવા માટે દુકાને ગઇ હતી. ત્યારે ઘરમાં ૧૧ વર્ષની મોટી બાળકીને એકલી જોતા અજાણ્યા નરાધમો રૂમ પર આવ્યા હતા.આરોપીઓ બાળકીને આ જ બિલ્ડિંગના અન્ય એક રૂમમાં લઇ ગયા હતાં. બાળકીને કણસતી છોડી બહારથી તાળું મારી નાસી છૂટ્યા હતા. હવસખોરોએ આ માસૂમ બાળાને પીંખી નાખી હતી. તેની સાથે દુષ્કર્મ ગુજારી બાળકી લોહીલુહાણ હાલતમાં કણસતી છોડી ફરાર થઇ ગયા હતા. એટલું જ નહીં આરોપીઓ રૂમને બહારથી તાળું પણ મારી ગયા હતાં. સાંજે બાળકીના માતાપિતા ઘરે આવ્યાં ત્યારે મોટી દીકરી નજરે ન પડતા આજુબાજુ શોધખોળ હાથ ધરી હતી.
બિલ્ડીંગમાં જ એક અવાવરું રૂમને તાળું નજરે પડતા પરિવારે રૂમનું તાળું તોડીને અંદર જોયુ હતુ. જ્યાં બાળકી લોહીલુહાણ હાલતમાં મળતા તેને સારવાર માટે કડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. ત્યાં તબીબ ન મળતા બાળકીને ત્યાંથી ચલથાણની સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા હતાં. પરંતુ સારવાર મળે ત્યાં સુધીમાં માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું.