વોશિગ્ટન,અમેરિકામાં ૨ મોટી બેંકો ડૂબવાના સમાચાર બાદ હવે યુરોપમાં પણ બેંકિંગ સંકટ વધી રહ્યું છે. યુરોપમાં અન્ય બેંક ક્રેડિટ ડિફોલ્ટની આરે છે. ક્રેડિટ સુઈસ પછી ડોઈશ બેંકે રોકાણકારો અને થાપણદારોનું ટેન્શન વધાર્યું છે. આ સમાચારને કારણે ડોઇશ બેંકના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. વાસ્તવમાં બેંકનો ક્રેડિટ ડિફોલ્ટ રેટ વધીને ૪ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે.
ડોઇશ બેંક વિશેના આ ખરાબ સમાચારોને કારણે તેના શેર ૨ દિવસમાં ૨૦ ટકાથી વધુ ઘટી ગયા છે. ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપમાં વધારાને કારણે આ બેંકનો સ્ટોક ૨૪ માર્ચે ૧૪ ટકાથી વધુ ઘટ્યો હતો, જ્યારે ૨૫ માર્ચે તેમાં ૬.૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ડોઇશ એ જર્મનીની સૌથી મોટી બેંક છે અને તેની મુશ્કેલીભરી પરિસ્થિતિ યુરોપમાં બેંકિંગ સિસ્ટમના પતન તરફ દોરી શકે છે.
જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે કહ્યું છે કે યુરોપમાં બેંકિંગ સિસ્ટમ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને રોકાણકારોએ ગભરાવાની જરૂર નથી. જર્મનીમાં ડોઇશ બેંક સૌથી મોટી બેંક હોવાથી, તે દેશના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જર્મની ઉપરાંત અન્ય ઘણા દેશોમાં પણ તેની શાખાઓ છે. આ બેંકને વિશ્ર્વની સૌથી સુરક્ષિત બેંકોમાંની એક ગણવામાં આવે છે. ડોઇશ બેંક સૌથી વધુ કોર્પોરેટ દિગ્ગજોને લોન આપે છે. બેંકની કુલ સંપત્તિ ૧.૪ ટ્રિલિયન ડોલર અંદાજવામાં આવી છે.
રોકાણકારોની નજર લાંબા સમયથી ડોઇશ બેંક પર છે. એવું માનવામાં આવે છે કે જે રીતે ક્રેડિટ સુઈસ બેંક કટોકટીમાં ફસાઈ છે, તે જ રીતે ડોઈશ બેંકની સ્થિતિ સર્જાઈ રહી છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને, છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકમાં નેતૃત્વના સ્તરે મોટા ફેરફારો થયા છે જેથી બેંકને કોઈપણ પ્રકારની કટોકટીમાંથી બચાવી શકાય.