નવીદિલ્હી,કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ‘ક્વોન્ટમ કમ્પ્યુટિંગ‘ પર આધારિત દેશની પ્રથમ ટેલિકોમ નેટવર્ક લિંક રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શરૂ થઈ છે. ‘ઈન્ટરનેશનલ ક્વોન્ટમ એન્ક્વલ’ને સંબોધતા, ટેલિકોમ મંત્રીએ માહિતી આપી હતી કે રાષ્ટ્રીય રાજધાનીમાં સંચાર ભવન અને સીજીઓ કોમ્પ્લેક્સમાં નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર વચ્ચે ક્વોન્ટમ કોમ્યુનિકેશન લિંક હવે શરૂ થઈ ગઈ છે.
ટેલિકોમ પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવ આ સિસ્ટમમાં તોડ કરવા માટે એથિકલ હેર્ક્સને ૧૦ લાખ રૂપિયાનું ઈનામ પણ આપશે. આ જાહેરાત કરતી વખતે ટેલિકોમ મંત્રીએ કહ્યું, “અમે હેકાથોન પણ શરૂ કરી રહ્યા છીએ. જે કોઈ આ સિસ્ટમ અને સી-ડોટ દ્વારા વિકસિત સિસ્ટમને તોડી શકે છે, તેને દરેક તોડ માટે ૧૦ લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
અશ્ર્વિની વૈષ્ણવે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ કંપનીઓના નાના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કર્યું. આ સાથે તેમણે આ કંપનીઓને ટેલિકોમ નેટવર્ક અને ભારતીય રેલવે માટે પાયલોટ પ્રોજેક્ટ ચલાવવા માટે પણ આમંત્રણ આપ્યું છે.
ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એ આધુનિક ટેકનોલોજી છે. આ ટેક્નોલોજીથી સજ્જ કોમ્પ્યુટરનો ઉપયોગ ઘણી સમસ્યાઓ ઉકેલવા માટે થાય છે. આ કોમ્પ્યુટરો વધુ ઝડપે કામ કરવા માટે બનાવવામાં આવ્યા છે. ક્વોન્ટમ કોમ્પ્યુટર ડેટાને વધુ ઝડપથી પ્રોસેસ કરે છે.
જાણકારી માટે આપને જણાવી દઈએ કે એથિકલ હેર્ક્સ એક જવાબદાર પ્રોફેશનલ હોય છે અને તેમનો ઈરાદો ખોટો હોતો નથી, પરંતુ એથિકલ હેર્ક્સ કોઈ સિસ્ટમમાં રહેલી ખામીઓ શોધીને તેને હેક કરવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં કંપનીઓ અથવા સંસ્થાઓને તેમની સિસ્ટમમાં રહેલી ખામીઓ વિશે ખબર પડે છે અને પછી તેઓ તેને સુધારે છે.