દાહોદ,
દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં આગામી તહેવાર રામ નવમી નિમિત્તે ફતેપુરાના પી.એસ.આઈ. દ્વારા રામ નવમી ઉત્સવ આયોજનની સમિતિમાં રામ નવમી આયોજનના સદસ્યો સાથે પી.એસ.આઈ. દ્વારા અપમાનજક અને મનસ્વી વર્તન કર્યુ હોવાના આક્ષેપો સાથે ફતેપુરાના રામ નવમીમાં આયોજકો દ્વારા આ મામલે ફતેપુરાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પી.એસ.આઈ. વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી આ આવેદનપત્રની નકલ ગુજરાતના ગૃહમંત્રી, દાહોદ જિલ્લા કલેક્ટર, દાહોદ જિલ્લા પોલીસ વડા, દાહોદ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકને આ આવેદનપત્ર રવાના કર્યુ હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા નગરના રામ નવમી ઉત્સવના આયોજકો દ્વારા ફતેપુરાના પ્રાંત અધિકારીને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, ફતેપુરા નગરમાં રામ નવમી નિમિત્તે ભગવાન રામજીની આરાધના માટે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેમાં નગર સુશોભન પણ એક આયોજન છે. નગર સુશોભન માટે ભગવા રંગની ધજાઓ લગાવેલ છે જેના માટે નગરના સેવાભાવિ ધાર્મિક પ્રવૃતિના લોકો ઉત્સાહ પુર્વક કાર્ય કરી રહ્યાં છે ત્યારે ગતરોજ ફતેપુરાના પી.એસ.આઈ. જી.કે. ભરવાડ દ્વારા રામ નવમી ઉત્સવ આયોજન સમિતિના સદસ્યોને સવારે ફતેપુરા પોલીસ મથકે બોલાવ્યાં હતાં. બે કલાક સુધી સમિતિના સદસ્યોના મનોબળને તોડવાનો પ્રયાસ કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં છે. વધુમાં જણાવ્યાં અનુસાર, આવા આયોજનને લઈને પોતે આયોજન સમિતિના સદસ્યોની સામે એવી કલમો લગાવશે કે તેમને જેલમાં જ રહેવું પડશે તેવી ખોટી ધાક ધમકીઓ પણ આપે છે. ગામના પ્રતિષ્ઠિત આગેવાનો અને વેપારીઓ આ બાબતે રજુઆત કરવા ગયા ત્યારે તેમની સાથે પણ ગાળો બોલીને અપમાનિત કરેલ છે. ધજા લગાવવામાં ઉત્સાહથી કામ કરનાર અનુસુચિત જાતિ સમાજમાંથી આવતાં કાર્યકર્તાઓને અપમાનજનક જાતિવાચક ટિપ્પણીઓ પણ કરેલ છે. પુર્વ ગ્રહ ધરાવતી માનસિકતા સાથે પી.એસ.આઈ. જી. કે. ભરવાડ કામ કરી રહ્યાં ચે અને ઉજવણી કરવા ઈચ્છતા હિન્દુ સમાજના લોકોને ટાર્ગેટ કરે છે અને અપમાનજનક શબ્દોનો વ્યવહાર કરે છે અને ખોટા કેસ કરીને ફસાવી દેવાની જાહેરમાં ધમકીઓ આપે છે. આવા મનસ્વી વ્યવહાર કરનાર અધિકારીના કારણે ગામમાં શાંતિને જોખમાય તેમ છે. રામ નવમી આયોજન નિષ્ફળ બનાવવા માટે પ્રયત્નો કરી રહેલા અધિકારી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આવેલ તેવી લાગણી અને માંગણી સાથે સદસ્યો દ્વારા ફતેપુરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો રામ નવમીના આગલા દિવસે ગામ બંધ રાખવાનો એલાન પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.