પાટણ,પાટણની સિદ્ધપુર ચોકડી પાસે આવેલી છ સોસાયટીઓમાં છેલ્લા ત્રણ મહિનાથી પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓ આજે રણચંડી બની હતી. પાટણ પાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં સ્થાનિક મહિલાઓ માટલાઓ સાથે ધસી ગઈ હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સામાન્ય સભામાં માટલા ફોડી મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો.
ઉનાળાની ગરમી શરૂ થઈ છે ત્યારે પીવાના પાણીની સમસ્યા બહાર આવી રહી છે ત્યારે પાટણ સિદ્ધપર હાઇવે પરની રામદેવ રેસિડેન્સી સહિત ૬ જેટલી સોસાયટીમાંના રહીશો સોમવારે બપોરે પાટણ નગર પાલિકા ખાતે છેલ્લા ત્રણ માસથી પીવાના પાણીની સમસ્યનો હલ ના થતા મહિલાઓ સૂત્રોચ્ચાર સાથે પાલિકા ખાતે પહોંચી હતી. બપોરે કોઈ હાજર ના રહેતા મહિલાઓએ પાલિકા પ્રમુખ હાય હાયના નારા લગાવી માટલા ફોડી વિરોધ નોધાવ્યો હતો. મહિલાઓએ પાલિકામાં જ રામધૂન યોજી હતી.
આ સોસાયટીઓમાં પાણીની સમસ્યા પાટણના સિદ્ધપુર રોડ પર આવેલી અમરદીપ સોસાયટી, સહયોગ સોસાયટી, કૃષ્ણપાર્ક, ઓમનગર, ગણેશ વિહાર અને રશિયન નગર વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. ત્યારે આજે મહિલાઓએ પાલિકા કચેરી પર જઈ વિરોધ પ્રદર્શિત કરવો પડ્યો હતો. મહિલાઓએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં થાળી વેલણ વગાડી વિરોધ નોંધાવ્યો હતો.