દાહોદ,બિલ્કીસ બાનો કેસમાં ઉંમરકેદની સજા મળ્યા બાદ ૧૧ આરોપીઓને સમય પહેલા જ મુક્ત કરવાની પરમિશન આપતા ગુજરાત સરકારના આદેશની અરજી પર સુપ્રિમ કોર્ટમા સુનાવણી થશે. આ પહેલા આ કેસના આરોપીમાંથી એક શૈલેષ ચિમનલાલ ભટ્ટ દાહોદના બીજેપીના સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોરની સાથે એક મંચ પર જોવા મળ્યા હતા. આ એક સરકારી કાર્યક્રમ હતો.
સરકારની નળથી જળ યોજના સંબંધિત આ કાર્યક્રમમાં બિલ્કીસ બાનો કેસમાં દોષિત શૈલેષ ચીમનલાલ ભટ્ટ ભાજપ સાંસદ અને ધારાસભ્યની બાજુમા બેસેલા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમ દાહોદ જિલ્લાના કરમાડી ગામમાં ૨૫ માર્ચના રોજ આયોજિત કરાયો હતો. જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નાની બેન્ચની અનેક રાજકીય અને નાગરિક અધિકાર કાર્યર્ક્તાઓ દ્વારા દાખલ કરાયેલ અરજીઓ તથા બાનો દ્વારા દાખલ કરાયેલ અરજી પર સુનાવણી કરશે.
૨૦૦૨ના ગુજરાત તોફાનો દરમિયાન દાહોદ જિલ્લાના રંધિકપુર ગામની બિલક્સિ પોતાના પરિવારના ૧૬ સભ્યોની સાથે ભાગી પાસેના ગામ છાપરવાડના ખેતરોમાં છુપાઈ હતી ૩ માર્ચ ૨૦૦૨ના ત્યાં ૨૦થી વધુ તોફાનીઓએ હુમલો કર્યો હતો. ૫ મહિનાની ગર્ભવતી બિલક્સિ સહિત કેટલીક અને મહિલાઓનો બળાત્કાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં બિલક્સિની ૩ વર્ષની પુત્રી સહિત ૭ લોકોની હત્યા કરી દેવામાં આવી હતી.
આરોપીઓ તરફથી પીડિત પક્ષ પર દબાવ બનાવવાની ફરિયાદ મળવા પર સુપ્રીમ કોર્ટે કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દીધો હતો. ૨૧ જાન્યુઆરી ૨૦૦૮ના મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે ૧૧ લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. ૨૦૧૭માં બોમ્બે હાઈકોર્ટે આ સજાને યથાવત રાખી હતી.