ભાવનગરમાં માતાજીના માંડવામાં ધૂણતા ભુવાનું મોત, હાર્ટએટેક આવતા નીચે ઢળી પડ્યા

ભાવનગર,ગુજરાતમાં હાર્ટએટેકથી મોતની ઘટના સતત વધી રહી છે. લોકોને હવે ચાલુ કાર્યક્રમોમાં હાર્ટએટેક આવી રહ્યાં છે. જેને કારણે લોકોમાં ડરનો માહોલ છવાયો છે. ભાવનગરના કુડા ગામમાં માતાજીના માંડવામાં ધૂણતા ભુવાનું મોત થયું છે. માતાજીના માંડવામાં ધૂણી રહેલા ભુવાનું ધૂણતા ધૂણતા મોત નિપજતા સૌ કોઈ ચોંકી ગયા હતા. ઘડીભર તો લોકો સમજી શક્યા ન હતા કે ભુવાનું શું થયું છે. કારણ કે, તેઓ માતાજીના માંડવામા ધૂણી રહ્યા હતા, અને અચાનક જ ધૂણત ધૂણતા તેઓ નીચે ઢળી પડ્યા હતા.

કુડા ગામમાં માતાજીના માંડવાનું આયોજન કરાયુ હતું. જેમાં ગાયકો સ્ટેજ પર ભજનો લલકારી રહ્યા હતા, ને નીચે મકાભાઈ ગોહિલ નામના ભુવા ધૂણી રહ્યા હતા. માતાજીના રમેળ કાર્યક્રમમાં તેઓ નાચી રહ્યા હતા, ત્યારે અચાનક જ નીચે ઢળી પડ્યા હતા. તેઓ બેસવાની સ્થિતિમાં હતા, જેથી લોકો પણ પહેલા સમજી ન શક્યા. બાદમાં ખબર પડી કે, તેમનુ મોત નિપજ્યું છે. આમ, મકાભાઈ ગોહિલને ધૂણતા-ધૂણતા હાર્ટએટેક આવ્યો હતો. ઘટના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.