નાસિક,માલેગાંવમાં એક રેલીને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સાવરકર અમારા આદર્શ છે અને અમે તેમનું અપમાન સહન કરી શકીએ નહીં. રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાહુલ ગાંધીને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.
‘હું માફી નહીં માંગુ, હું સાવરકર નથી, ગાંધી છુ.’ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના આ નિવેદન પર શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે અમે સાવરકરને અમારા આદર્શ માનીએ છીએ. તેમનું બલિદાન પ્રતીક છે, તેથી અમે તેમનો અનાદર સહન નહીં કરીએ. રાહુલને સલાહ આપતાં ઠાકરેએ કહ્યું કે તેઓ સાવરકરનું અપમાન કરવાથી દૂર રહે.
માલેગાંવ, નાસિકમાં એક રેલીને સંબોધતા, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે હા વિકાસ આઘાડી ગઠબંધન લોકશાહીને બચાવવા માટે બનાવવામાં આવ્યું હતું, તેથી એક થઈને કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એમવીએ ગઠબંધનમાં શિવસેના,કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સામેલ છે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાહુલ ગાંધીને સાવરકર વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વીડી સાવરકરે ૧૪ વર્ષ સુધી આંદામાન અને નિકોબાર જેલમાં યાતનાઓ ભોગવી હતી. તેને કાળા પાણીની સજા કરવામાં આવી હતી. તેમનું બલિદાન દેશ માટે પ્રતીક છે. ઠાકરેએ કહ્યું કે જો આજનો આ સમય વેડફાશે તો લોકશાહીનું અસ્તિત્વ ખતમ થઈ જશે. જો આમ થશે તો ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી છેલ્લી ચૂંટણી હશે.
ભાજપ પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જેમને દેશની આઝાદી સાથે કોઈ લેવાદેવા નથી તેઓ લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ સરકારને સાચો સવાલ પૂછ્યો છે કે અદાણીની કંપનીઓમાં ૨૦ હજાર કરોડ રૂપિયા કોના છે? પરંતુ સરકાર તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સમર્થન કર્યું હતું. આ યાત્રામાં ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરેએ પણ ભાગ લીધો હતો.
લોક્સભાના સભ્યપદેથી સસ્પેન્ડ થયાના એક દિવસ પછી રાહુલ ગાંધીએ ભાજપના આરોપો પર પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હું સાવરકર નથી, હું ગાંધી છું અને ગાંધી કોઈની માફી માંગતા નથી.