જે.એમ.બિશ્ર્નોઇ આપઘાત મામલે તપાસમાં મળી એક ડાયરી, લાંચની રકમનો હિસાબ સામે આવ્યો

  • સીબીઆઇએ ફ્લેટ પર પહોંચીને ૫૦ લાખ ભરેલું પોટલું રિકવર કર્યું છે.

રાજકોટ,રાજકોટમાં ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જે.એમ બિશ્ર્નોઈના આપઘાત કેસમાં રોજ નવા ખૂલાસા થઈ રહ્યા છે. જે.એમ બિશ્ર્નોઈને ત્યાં તપાસ દરમિયાન પોલીસને એક ડાયરી મળી આવી છે. આ ડાયરીમાં લાંચની રકમનો હિસાબ મળી આવ્યો છે. જેમા ક્યાંથી કેટલી લાંચ મળી અને લાંચની રકમ ક્યા ક્યા અધિકારીઓને પહોંચાડવામાં આવી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દર મહિને કોને કેટલો હિસ્સો પહોંચાડવામાં આવતો તેનો પણ ડાયરીમાં ઉલ્લેખ હોવાનુ આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે.

જે. એમ બિશ્ર્નોઈ આપઘાત કેસમાં હવે તપાસનો રેલો ફોરેન ટ્રેડના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે તેવી શક્યતા છે. જો કે તપાસ દરમિયાન જે.એમ. બિશ્ર્નોઈ મોટી રકમની લાંચ લેતા હોવાનુ સામે આવ્યુ છે. બિશ્ર્નોઈ લાંચ લેતા હોવાની અનેક ફરિયાદ મળી હતી.

ક્લાસ વન અધિકારીની લાંચ અને આત્મહત્યા કેસમાં ૩૬ કલાકથી પણ વધુ સમયથી ચાલતા વિવાદનો અંત આવ્યો છે. જે.એમ.બિશ્ર્નોઇના પરિવારની મેજિસ્ટ્રેટ તપાસની માગ સ્વીકારી લેવાતા ૩૬ કલાક બાદ જે.એમ. બિશ્ર્નોઇના પરિવારે મૃતદેહને સ્વીકારી લીધો છે. સમગ્ર કેસની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે. આ સાથે જે.એમ.બિશ્ર્નોઇનું પોસ્ટમોર્ટમ જીડ્ઢસ્ની હાજરીમાં વીડિયોગ્રાફી સાથે કરાવાયું છે અને આ કેસમાં સીબીઆઇના અધિકારીઓના નિવેદન પણ લેવાશે.

આ કેસમાં સીબીઆઇની ટીમને જે.એમ.બિશ્ર્નોઇના ઘરેથી રૂ.૫૦ લાખ અને ચાંદીના સિક્કા ભરેલું પોટલું મળ્યું છે. જ્યારે જે.એમ.બિશ્ર્નોઇની ઓફિસમાં રેડની જાણ થતાં તેમની પત્ની અને પુત્રએ ૫૦ લાખ રોકડ અને ચાંદીના સિક્કા ભરેલુ પોટલું સામેના ફ્લેટમાં ફેંકી દીધુ હોવાની સુત્ર તરફથી માહિતી મળી છે. ત્યારે જે.એમ.બિશ્ર્નોઈના પત્નીએ જેમના ફ્લેટની ગેલેરીમાં પોટલું ફેક્યું હતુ તેનો વીડિયો સામે આવ્યો છે.

પોટલું ફેંક્યા બાદ તેમના પત્ની ગેલેરીમાં ચૂંદડી પડી ગઈ હોવાના બહાને પોટલું લેવા ગયા હતા પરંતુ સમગ્ર મામલે શંકા જતા પાડોશીએ સીબીઆઇને જાણ કરી હતી. સીબીઆઇએ ફ્લેટ પર પહોંચીને ૫૦ લાખ ભરેલું પોટલું રિકવર કર્યું છે. આમ સીબીઆઇએ આ કેસમાં કુલ ૧ કરોડ રોકડ અને ૯૦૦ ગ્રામ ચાંદી રિકવર કરી છે.