ભારત આવવા આતુર છે બિલાવલ ભુટ્ટો

ઇસ્લામાબાદ,ભારતમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની કોન્ફરન્સને કારણે પાકિસ્તાનના શાસકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો અને સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. આ નેતાઓની ભારત મુલાકાતને લઈને પાકિસ્તાનમાં ભાગલા પડી ગયા છે અને આ જ કારણ છે કે દેશના ટોચના નેતૃત્વમાં જોરદાર મંથન શરૂ થઈ ગયું છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, બિલાવલ અને ખ્વાજા આસિફની ભારત મુલાકાત હવે ચીનના વલણ પર નિર્ભર કરશે, જે એસસીઓનો સંસ્થાપક દેશ છે.

એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ બિલાવલ અને રક્ષા મંત્રી ખ્વાજા આસિફને ભારત તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. SCO રક્ષા પ્રધાનોની બેઠક એપ્રિલમાં નવી દિલ્હીમાં અને વિદેશ પ્રધાનોની બેઠક મે મહિનામાં ગોવામાં યોજાવાની છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આગ્રહ કર્યો છે કે, આ ઘટનાઓની નજીક જ અંતિમ નિર્ણય લેવામાં આવશે, પરંતુ સૂત્રો કહે છે કે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ હાઈપ્રોફાઈલ મીટિંગ્સને લઈને પાકિસ્તાન સરકારમાં ભાગલા પડી ગયા છે.

પાકિસ્તાનમાં એક પક્ષનું કહેવું છે કે, બંને દેશો વચ્ચેના સંબંધોની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને, જો જરૂરી હોય તો, ફક્ત જુનિયર અધિકારીઓને જ SCO બેઠકમાં મોકલવામાં આવે. જ્યારે અન્ય લોકો આ સાથે સહમત નથી. તેમનું કહેવું છે કે પાકિસ્તાને આવા પ્રાદેશિક મંચને છોડવું જોઈએ નહીં અને SCO માં રશિયા અને ચીન જેવા શક્તિશાળી દેશો સામેલ હોવાથી પાકિસ્તાને આ તકનો ઉપયોગ પોતાના હિતને આગળ વધારવા માટે કરવો જોઈએ.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બિલાવલ અને ખ્વાજાનો પ્રવાસ ચીન પર ઘણો નિર્ભર રહેશે. ચીને એસસીઓની સ્થાપના કરી હતી અને તેણે પાકિસ્તાનને સંપૂર્ણ સભ્યપદ પણ આપ્યું હતું. જો ચીન પાકિસ્તાનને આ સમિટમાં હાજરી આપવાનું કહેશે તો શાહબાઝ સરકાર માટે આ સલાહની અવગણના કરવી શક્ય નથી. પાકિસ્તાન અને ભારત બંને SCO ના સંપૂર્ણ સભ્ય છે અને તેઓએ તેમના દ્વિપક્ષીય મુદ્દાઓ ઉઠાવીને પ્રાદેશિક ફોક્સને મંદ ન કરવાનું વચન આપ્યું છે. આ જોતા પાકિસ્તાન માટે એસસીઓથી દૂર રહેવું ઘણું મુશ્કેલ બની જશે.

સમાચાર પત્રએ કહ્યું કે, બિલાવલ ભુટ્ટો ભારત આવવા માટે ઉત્સુક છે અને જો પાકિસ્તાન એસસીઓ રક્ષા મંત્રીઓ અને વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લે છે તો શક્ય છે કે પીએમ શહેબાઝ શરીફ પણ જુલાઈમાં SCO સમિટમાં ભાગ લેવા ભારત આવી શકે છે. ભારતીય કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ હટાવ્યા બાદથી પાકિસ્તાન નારાજ છે અને સંબંધોને સામાન્ય બનાવવા માટે તૈયાર નથી.