- ભારતભાઇએ ફક્ત ટામેટાની જ ખેતીમાં બે લાખ જેટલી આવક મેળવી.
- બાગાયતી ખેતીમાં શાકભાજી વાવેતરમાં વીસ હજાર રૂ. સુધીની પ્રોત્સાહક સહાય બાગાયત ખાતા દ્વારા મેળવી.
દાહોદ,
રાજ્યભરમાં બાગાયત ખેતીને સરકાર દ્વારા ખૂબ પ્રોત્સાહન અપાઇ રહ્યું છે અને સરકારના પ્રોત્સાહન સાથે આધુનિક બાગાયત ખેત પદ્ધતિઓ, નવા પાકો અને ખેતી માટેની નવીન વિચારધારા થકી દાહોદ જિલ્લાના ખેડૂતો પણ બાગાયત ખેતી તરફ સમૃદ્ધિના ડગ માંડી રહ્યા છે. ત્યારે બાગાયત ખેતી કરનારા દાહોદનાં પ્રગતિશીલ ખેડૂતની વાત કરીએ.
દાહોદ જિલ્લાનાં દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામનાં પ્રગતિશીલ ખેડૂત ભારતભાઈ શકરાભાઈ પટેલ બાગાયતી ખેતીમાં વિવિધ પ્રયોગશીલ ખેતી કરી રહયાં છે. જેઓ ગ્રામ્ય વિસ્તારમાં પોતાની જમીનમાં ટામેટા, મરચા, રીંગણ સહિતની બાગાયતી ખેતી વૈજ્ઞાનિક પદ્ધતિથી કરી આર્થિક સમૃદ્ધિ સાથે સફળતાના સોપાન સર કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે.
ઉત્સાહી પ્રગતિશીલ ભારતભાઈ શકરાભાઈ પટેલ કહે છે કે શાકભાજી પાકોની આધુનિક સુધારેલ ખેતી પધ્ધતિ અપનાવવામાં આવે તો ઉંચી ગુણવત્તા સાથે વધુ ઉત્પાદન ટુંકા ગાળામાં મેળવી વધુ આવક મેળવી શકાય છે. ફ્લાવર, કોબીજ, ટામેટા, મરચા વગરે શાકભાજીની ખેતી કરી તેમાં મને સારૂં ઉત્પાદન અને સારી આવક મળી પોતાની જમીનમાં બાગાયત વિભાગ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કરી આધુનિક ખેત પધ્ધતિ અપનાવી મૂલ્યવર્ધિત વિવિધ શાકભાજીની ખેતી કરી સારી આવક મેળવી રહ્યો છું અને હાલમાં ટામેટા, મરચાની ખેતી અને શાકભાજી ધરૂ ઉછેર પણ જાતે કરૂં છું.
તેમણે ખેડૂતમિત્રોને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી મેળવી લાભ મેળવવાની અપીલ કરી હતી. તેમણે બાગાયતી ખેતીમાં શાકભાજી વાવેતરમાં રૂ. 20,000/- સુધીની પ્રોત્સાહક સહાય બાગાયત ખાતા દ્વારા મેળવી હતી. ભારતભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિના જિવામૃત, બીજામૃત જેવા સિધ્ધાંતોને પણ ખેત પધ્ધતિમાં અમલમાં મુકવાને લીધે ખેતી ખર્ચ પણ ઘટવાથી એકંદરે સારી આવક મેળવી રહ્યાં છે. તેઓ જણાવે છે કે તેમણે ટામેટાના વાવેતર દ્વારા અંદાજે રૂા. બે લાખની આવક થઇ છે.
પ્રગતિશીલ ખેડૂત ભારતભાઈ શકરાભાઈ પટેલે પોતાની સમૃદ્ધિનો શ્રેય સરકારની વિવિધ બાગાયતી યોજનાઓને આપે છે. ધરતીપુત્રોના પરિશ્રમના સમન્વયથી જ ગુજરાતના કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ, વિકાસ અને ગુણવત્તાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. તે માટે સરકારની ખેડૂત કલ્યાણ લક્ષી વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અંગે આભાર વ્યકત કર્યો છે.