રામયાત્રાના રંગે રંગાશે દાહોદ:દાહોદમાં પાંચમી રામયાત્રામાં રામચરિતમાનસની વિશાળ કૃતિ મુખ્યઆકર્ષણ, સારંગપુરના હનુમાનજીની આબેહૂબ પ્રતિમાના દર્શનની તક

  • દાહોદ શહેરમાં 30મી માર્ચે રામ નવમીના પાવન પર્વે રામ જન્મોત્સવની ઉજવણીથી ધુમધામ અને આસ્થા સાથે ઉજવણીનું આયોજન કરી દેવામા આવ્યુ છે.આ દિવસે ભવ્યાતિભવ્ય રામ યાત્રા નીકળશે.
  • રામયાત્રાના આયોજન માટે તૈયારીઓ પૂર્ણ.

દાહોદ,

રામયાત્રાની ઉજવણીના ભાગ રૂપે ઠક્કર ફળિયા સ્થિત રાજરાજેશ્ર્વરી મંદીરથી માંડીને સ્ટેશન રોડ સુધીના રૂટનો શણગાર કરવામાં આવ્યો છે. ઉજવણીના આયોજન માટે રામ યાત્રા સેવા સમિતિના સભ્યોની શહેરના તમામ સમાજના આગેવાનો, ધાર્મિક મંડળો, સંસ્થાઓ અને સામાજિક સંગઠનોના અગ્રણીઓ સાથે બેઠક થઇ હતી. જેમાં કાર્યક્રમને સફળ બનાવવાની અપીલ સાથે સર્વે દ્વારા અપાયેલા સૂચનો અને માર્ગદર્શન મુજબ આયોજનો કરાયા છે.

વિવિધ ઝાંખીઓ આકર્ષણ જમાવશે આ વર્ષે પાંચમી રામ યાત્રામાં રામના જીવન ચરિત્રને લગતી 9 જેટલી ઝાંખીઓ સાથે પારંપરિક 21 ઢોલ ત્રાંસા, ડીજે પણ રંગ જમાવશે. અખાડા પણ આકર્ષણ જમાવશે. વિવિધ 18 ટેબ્લો સાથે વિવિધ કલાકારો દ્વારા તૈયાર કરાઇ રહ્યા છે. વિશાળ રામચરિતમાનસની કૃતિ મુખ્ય આકર્ષણ છે. ત્યારે એક ઝાંખી કોટા રાજસ્થાનથી ખાસ આવશે. રામ દરબારની સાથે સારંગપુરના હનુમાનજીની પ્રતિમાને નિહાળવાની તક પણ મળશે.

ભગિની સમાજથી યાત્રા નીજ મંદિરે પરત ફરશે. આ વખતે ઠક્કર ફળિયાથી નીકળનારી યાત્રા બસ સ્ટેન્ડ થઇ ભગિની સમાજ, બીરસામુંડા ચોકથી પરત ફરી રેલવે સ્ટેશન રોડ થઇને નીજ મંદીરે પહોંચશે. યાત્રામાં વિભિન્ન 28 જેટલા મંડળો, ભજન મંડળીઓ પોતાના ડ્રેસ કોડમાં રામયાત્રામાં આકર્ષણ જમાવશે. રામયાત્રા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.