
- કર્ણાટક ચૂંટણી જીતીને મોદી સરકારને જવાબ આપશે પ્રિયંકા ગાંધી.
નવીદિલ્હી,કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોક્સભાનું સભ્યપદ રદ્દ થવાને કારણે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટના આ નિર્ણય બાદ હવે ચર્ચા ચાલી રહી છે તે, થોડા મહિનામાં યોજાનારા કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ૨૦૨૩માં આનાથી પાર્ટી પર શું પ્રભાવ પડશે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર એવું પણ લખ્યું છે કે, જો રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવશે, તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની જવાબદારી વધી જશે, પરંતુ પ્રિયંકા ગાંધી કર્ણાટક ચૂંટણી જીતીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને જવાબ આપવા માંગે છે. કોંગ્રેસે જણાવ્યું છે કે, તેઓ આ લડાઈ આગળ પણ ચાલુ રાખશે.
કોંગ્રેસ રાહુલ ગાંધીનું લોક્સભાનું સભ્યપદ રદ કરવાના વિરોધમાં આજે દેશભરમાં સંકલ્પ સત્યાગ્રહ કરવામાં આવ્યા હતાં અને પાર્ટીના મોટા નેતાઓ અને કાર્યકરો સવારે ૧૦ વાગ્યાથી તમામ રાજ્યોમાં જિલ્લા અને બ્લોક સ્તરે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે પ્રદર્શન કર્યા હતાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મહાસચિવ પ્રિયંકા ગાંધી સત્યાગ્રહમાં સામેલ થવા માટે દિલ્હીના રાજઘાટ પહોંચ્યા હતાં.
સત્યાગ્રહ દરમિયાન પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું કે આજ સુધી અમે ચૂપ રહ્યા, તમે અમારા પરિવારનું અપમાન કરતા રહ્યા. મારા ભાઈએ કહ્યું- હું તમને નફરત કરતો નથી. અમારી વિચારધારા અલગ છે. મારે પૂછવું છે કે તમે એક માણસનું કેટલું અપમાન કરશો. તેમણે કહ્યું કે મારી સામે કેસ કરો પરંતુ સત્ય એ છે કે આ દેશના વડાપ્રધાન કાયર છે.જોકે દિલ્હી પોલીસે અહીં કલમ ૧૪૪ લગાવી દીધી હતી, પરંતુ કોંગ્રેસના નેતાઓ અને કાર્યર્ક્તાઓ અહીં પહોંચ્યા હતા જો કે પોલીસે કોંગ્રેસના નેતાઓ અટકાયતમાં લીધા હતાં.
તેઓ શહીદના પુત્રને દેશદ્રોહી કહે છે, મીર જાફર કહે છે. એક મુખ્યમંત્રી તો ત્યાં સુધી કહે છે કે રાહુલને એ પણ ખબર નથી કે તેના પિતા કોણ છે. તમારા વડાપ્રધાન સંસદમાં કહે છે કે અમારું કુટુંબ નેહરુ નામ કેમ વાપરે છે. તમને કોઈ સજા નથી મળતી અને ન તો તેમને સંસદમાંથી બહાર કાઢવામાં આવે છે. આજ સુધી અમે ચૂપ રહ્યા, તમે અમારા પરિવારનું અપમાન કરતા રહ્યા. મારે પૂછવું છે કે તમે એક માણસનું કેટલું અપમાન કરશો. મારો ભાઈ પીએમ પાસે ગયો, તેમને ગળે લગાડ્યા અને કહ્યું કે હું તમને નફરત નથી કરતો. અમારી વિચારધારા અલગ છે પરંતુ અમારી પાસે નફરતની વિચારધારા નથી.
પ્રિયંકાએ કહ્યું કે શું ભગવાન રામ અને પાંડવો પરિવારવાદી હતા? અમારો પરિવાર દેશ માટે શહીદ થયો તો શું શરમ આવવી જોઈએ? અમને અપમાનિત કરીને તમે એમ વિચારો છો કે અમે ડરી જઈશું. અમે વધુ મજબૂત બનીને લડીશું. અમે હજુ પણ દેશની આઝાદી માટે લડી રહ્યા છીએ. દેશની જનતા એ જોઈ શક્તી નથી કે તેમની તમામ સંપત્તિ લૂંટાઈ રહી છે. જેઓ સરમુખત્યાર છે તેઓ પ્રશ્ર્નો ઉઠાવનારાઓને દબાવવાનો પ્રયાસ કરે છે. આ અદાણીમાં એવું તો શું છે કે તેઓ તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણે આ વિશે વિચારવું પડશે.એક માણસ કન્યાકુમારીથી કાશ્મીર કેમ ચાલ્યો? તેનામાં સમાનતા, એક્તાની લાગણી હતી. આજે મીડિયા, મંત્રીઓ અને સાંસદો કહી રહ્યા છે કે રાહુલ ગાંધીએ વિદેશ જઈને દેશનું અપમાન કર્યું છે. જે વ્યક્તિ જનતાનો અવાજ ઉઠાવી રહી છે તે દેશનું અપમાન કરી શકે છે. તે ગરીબો અને બેરોજગારોના હકની માગ કરી રહ્યો છે. પોતાના હક માટે લડી રહ્યા છે.પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે આ વર્ષે કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કર્ણાટક ચૂંટણી જીતીને મોદી સરકારને જવાબ આપવો જોઈએ. આ સરકાર અદાણીના મુદ્દે જવાબ આપવા માંગતી નથી. અમારા શરીરમાં શહીદોનું લોહી છે. તમે એ લોહીને તમે વારંવાર પરિવારવાદી કહો છો. આ દેશ માટે આ લોહી વહેવડાવ્યું છે. અમે પાછા હટીશું નહીં, અમે લડીશું.