અમદાવાદ,રાજસ્થાન અને હરિયાણાની આસપાસ સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી શનિવારે દિવસ દરમિયાન ઠંડો પવન ફૂંકાયો હતો. આગામી ચાર દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો ૩થી ૫ ડિગ્રી વધી શકે છે. પરંતુ, ૨૯ માર્ચથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં અમદાવાદ અને રાજ્યમાં તોફાની પવન સાથે માવઠું થવાની આગાહી છે. આ પહેલાં પણ હવામાન વિભાગ દ્વારા ૨૦ માર્ચથી ૨૩ માર્ચ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને ભારે નુક્સાનીનો સામનો કરવો પડ્યો છે. માવઠાની આગાહીને પગલે ખેડૂતોની પડતા પર પાટું જેવી સ્થિતિ થઈ છે.
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, શનિવારે અમદાવાદમાં વહેલી સવારથી જ ૧૦થી ૧૨ કિલોમીટરની ગતિએ ઠંડો પવન ફૂંકાતા મહત્તમ તાપમાન શુક્રવાર કરતાં દોઢ ડિગ્રી ગગડીને ૩૩ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧.૨ ડિગ્રી ગગડીને ૨૧ ડિગ્રી નોંધાયું હતું. આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો વધીને ૩૭ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૪ ડિગ્રી થઈ શકે છે.
ઠંડા પવનોની અસરથી રાજ્યના મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો ૩૪ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં ૩૩.૬ ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ શહેર બન્યું હતું. ત્યારબાદ ૩૩ ડિગ્રી સાથે અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આગામી ચાર દિવસો દરમિયાન રાજ્યમાં ગરમીનો પારો ૩૮થી ૩૯ ડિગ્રીની આસપાસ રહી શકે છે. ૨૯મી માર્ચથી ફરી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેની અસરોથી ફરીથી વાતાવરણમાં પલટો આવશે. જેથી ભારે પવનો અને વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડી શકે છે.
ગત ૧૭થી ૧૯ માર્ચમાં સૌરાષ્ટ્રમાં આફતરૂપી માવઠાનો વરસાદ શરૂ થયો હોય તેમ વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા અને તેજ પવન સાથે અનેક સ્થળોએ કરા સાથે માવઠું વરસ્યું હતું. ઉના પંથકમાં તો જાણે ચોમાસુ રિટર્ન થયું હોય તેમ સાંબેલાધારે ૧થી ૪ ઈંચ વરસાદ ખાબક્તા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ઉનાના મરચાની હબ ગણાતા સનખડામાં તો ધોધમાર વરસાદ ખાબક્તા મરચાં પાણીમાં વહેવા લાગ્યાં હતાં. આ સાથે જાફરાબાદના દૂધાળા અને તળાજાના ટીમાણા ગામે મકાન ઉપર વીજળી ખાબક્તા ઘરવખરી બળી ગઈ હતી, જ્યારે કમોસમી વરસાદના કારણે તાલાલામાં કેસર કેરી સહિત અન્ય સ્થળોએ ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુક્સાન થયું હતું. નાઘેર પંથકમાં ૨ વર્ષ પહેલાં તાઉતે વાવાઝોડાથી આંબાવાડીઓને નુક્સાન થયું હતું, ત્યારે ફરી માવઠું થતાં કેરી ઉત્પાદકોને આર્થિક ફટકો પડ્યો છે. ઉના-ગીરગઢડા પંથકમાં ૧થી ૪ ઈંચ વરસાદ પડતા ખેતી પાક ઉપરાંત માછીમારોને પણ નુક્સાન થયું છે.