મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લાવવાની તૈયારીઓ તેજ, ક્રાઇમ બ્રાંચે ટ્રાન્સફર વોરંટની પ્રક્રિયા શરૂ કરી

અમદાવાદ,મહાઠગ કિરણ પટેલને ટૂંક સમયમાં અમદાવાદ લવાશે. ઠગબાજ કિરણ પટેલને અમદાવાદ લાવવાની તૈયારીઓ તેજ થઇ ગઇ છે અને આગામી ૮ દિવસમાં કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટથી ક્રાઇમ બ્રાંચ અમદાવાદ લાવશે. મહત્વપૂર્ણ છે કે જગદીશ ચાવડાનો રૂપિયા ૧૮ કરોડનો બંગલો પચાવી પાડવાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી હાથ ધરી છે. ઠગ કિરણ પટેલે જગદીશ ચાવડાનો રૂપિયા ૧૮ કરોડનો બંગલો પચાવી પાડવાનો કારસો રચ્યો હતો.જે મુદ્દે નોંધાયેલી ફરિયાદ અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કિરણ પટેલ વિરૂદ્ધ ગુજરાતના ત્રણ શહેરોમાં અલગ અલગ ફરિયાદો નોંધાયેલી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે ગુજરાતના ઠગ કિરણ પટેલની ધરપકડ કરી છે. જેણે પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે આપી હતી અને હાઈ-પ્રોફાઈલ સુરક્ષા પ્રોટોકોલનો આનંદ માણ્યો હતો. કાશ્મીર ખીણની ફાઈવ સ્ટાર હોટલમાં અનેકવાર રોકાયો હતો. જો તમે તેની વાસ્તવિક ઓળખ જાણશો તો તમે ચોંકી જશો. તે નિવૃત્ત ડેપ્યુટી એસપી, એક પોલીસ ઈન્સ્પેક્ટર અને બે પોલીસ સબ ઈન્સ્પેક્ટરને તે ચૂનો લગાડી ચૂક્યો છે. જોકે હવે એવી વિગતો સામે આવી છે કે આ મહા ઠગે સુરતના ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાનો કોન્ટેક્ટ કર્યો હતો.

કિરણ પટેલનો કિસ્સો આવતાની સાથે હવે એવા અનેક લોકો સામે આવી રહ્યા છે. જેમની સાથે સંપર્ક કરીને કિરણ પટેલ પોતાનો રોફ જમાવતો અને સતત મોટા લોકોનો કોન્ટેક્ટ કરીને તેમની સાથે મિત્રતા કેળવીને ઠગવાનો ઇરાદો હોય તેવી રીતે તેમને કંઈ કામ હોય તો કહેજો એવું વારંવાર કહેતો હતો. કિરણ પટેલે અનેક લોકો સાથે આ પ્રકારે સંપર્ક સાધ્યો હોવાનો હવે ધીરે ધીરે બહાર આવી રહ્યું છે એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.