ઇસ્લામાબાદ,પાકિસ્તાન અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અધૂરા લોન પ્રોગ્રામ પર વાટાઘાટોમાં અટવાઈ ગયા છે, જેની કટોકટીગ્રસ્ત દેશને સખત જરૂર છે. ફેબ્રુઆરીની શરૂઆતથી બંને વચ્ચે વાતચીત ચાલી રહી છે, જો સફળ થશે તો IMF પાકિસ્તાનને ૧.૧ મિલિયન યુએસ ડોલર આપશે. અમેરિકી ધિરાણર્ક્તાના કહેવા પર પાકિસ્તાન સરકારે અનેક આર્થિક સુધારાઓ લાગુ કર્યા છે. તેણે ઈંધણના ભાવ વધાર્યા, કર વધાર્યા અને સબસિડીમાં ઘટાડો કર્યો. પરંતુ આટલું થવા છતાં પાકિસ્તાનને કોઈ રકમ મળી નથી. હવે આઇએમએફે પાકિસ્તાન સામે નવી શરત મૂકી છે.
અહેવાલ મુજબ,આઇએમએફે હવે ઇસ્લામાબાદને બેલઆઉટ આપવા માટે આગળનું પગલું ભરતા પહેલા બાહ્ય ફાઇનાન્સિંગ(બીજો કોઈ દેશ ખાત્રી આપે તો) ખાતરીઓ માંગી છે.આઇએમએફ અને પાકિસ્તાન વચ્ચે જે ફંડની વાટાઘાટ થઈ રહી છે, તે ૨૦૧૯માં મંજૂર કરાયેલા ઇં૬.૫ બિલિયન બેલઆઉટ પેકેજનો એક ભાગ છે. આ ફંડ પાકિસ્તાનને ડિફોલ્ટથી બચાવી શકે છે.
એક પ્રેસ બ્રીફિંગને સંબોધતા,આઇએમએફના વ્યૂહાત્મક સંચાર નિયામક જુલી કોઝાકે જણાવ્યું હતું કે, સત્તાવાળાઓના પ્રયત્નો અને સમીક્ષા સફળ થવા માટે બાહ્ય ભાગીદારો તરફથી સમયસર નાણાકીય સહાય મહત્વપૂર્ણ રહેશે. તેમણે કહ્યું કે, અધિકારીઓને ટેકો આપવા માટે પૂરતું ભંડોળ છે, તેની ખાતરી કરવી એ મહત્વની પ્રાથમિક્તા છે. બાકીના કેટલાક મુદ્દા મળ્યા પછી સ્ટાફ લેવલ એગ્રીમેન્ટ થશે. અમારે એ સુનિશ્ર્ચિત કરવાની જરૂર છે કે પાકિસ્તાન સાથે આગળનું પગલું ભરવા માટે અમારી પાસે તે નાણાકીય ખાતરીઓ છે.
આઇએમએફ ઇચ્છે છે કે પાકિસ્તાનને ૭ બિલિયન સુધીની ખાતરી મળે. પાકિસ્તાનના નાણાપ્રધાન ઈશાક ડારે કહ્યું કે, તે ઇં૫ બિલિયનની નજીક હોવું જોઈએ. જિયો ન્યૂઝના સમાચાર અનુસાર, આ સમજૂતી પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારને વધારવા માટે અન્ય દ્વિપક્ષીય અને બહુપક્ષીય ભંડોળનો માર્ગ પણ ખોલશે. જ્યારે પાકિસ્તાન આઇએમએફ પાસેથી નાણાકીય મદદ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે ધિરાણર્ક્તાએ શ્રીલંકા અને બાંગ્લાદેશ માટે મદદની જાહેરાત કરી છે.