અમદાવાદ,ગુજરાતનું સહકારી ક્ષેત્ર હાલ સુવર્ણ યુગમાં છે. જોકે, સહકારી ક્ષેત્રમાં ભાજપનો દબદબો યથાવત છે. રાજ્યની ૩૬૦ સહકારી સંસ્થા પૈકી ૩૦૨મા ભાજપનો કબજો છે. ગણતરી માંડીએ તો, રાજ્યની ૮૪ ટકા સંસ્થાઓમાં ભાજપનું વર્ચસ્વ છે. તો માત્ર ૪૪ સહકારી સંસ્થાઓમાં કોંગ્રેસનો દબદબો છે. આંગળીના વેઢે ગણાય તેટલી સંસ્થામાં કોંગ્રેસનું રાજ બચ્યું છે. એક સમયે સહકારી સંસ્થાઓમાં કોંગ્રેસનો ડંકો વાગતો હતો. પરંતુ હવે સહકારી ક્ષેત્રમાં ભાજપનો દબદબો યથાવત છે.
ભાજપના શાસનમાં કોંગ્રેસ દરેક જગ્યાએથી જડમૂળથી ઉખેડાઈ રહી છે. ભાજપના શાસનમાં જ્યાં જ્યાં કોંગેસનું રાજ હતું, ત્યાં ત્યાંથી તેનો એક્કો ભૂસાઈ રહ્યો છે. જેની મોટી અસર સહકાર ક્ષેત્રમાં જોવા મળી રહ્યો છે. એક સમયે ગુજરાતના સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસનું રાજ હતું, પરંતુ ભાજપે પોતાના શાસનમાં એક એક કરીને તમામ સહકારી સંસ્થાઓ પોતાના હસ્તગત કરી લીધી. હવે ૩૬૦ માંથી માત્ર ૪૪ સહકારી ક્ષેત્રોમાં કોંગ્રેસનું શાસન બચ્યું છે.
ગુજરાતમાં રાજ્ય સ્તરની ૧૨ સંસ્થાઓ છે. જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો ૧૭ છે. જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો ૧૯ છે. આ ત્રણેયમાં ભાજપનું શાસન છે. ગુજરાતમાં ૨૨ સુગર મંડળી છે. જેમાંથી ૧૮ ભાજપ પાસે તો ૫ કોંગ્રેસ પાસે છે જિલ્લા સહકારી સંધો ૨૪ છે, જેમાંથી ભાજપ સાથે ૧૮ તો કોંગ્રેસ પાસે ૫ છે. ગુજરાતમાં કુલ ૨૧૧ એપીએમસી છે, જે પૈકી ભાજપ પાસે ૧૮૭ તો કોંગ્રેસ પાસે માત્ર ૧૮ છે. ૯ માં વહીવટદારનું શાસન છે. રાજ્યમાં કુલ ૩૦ જિલ્લા ખરીદ વેચાણ સંઘ છે, જેમાંથી ૨૭ ભાજપ પાસે અને ૩ કોંગ્રેસ પાસે છે. ૨૨ ઔદ્યોગિક સંસ્થાઓ છે, જે પૈકી ભાજપ પાસે ૯ અને કોંગ્રેસ પાસે ૧૩ છે
એક આંકડો એવો પણ સામે આવ્યો છે કે, ગુજરાતમાં ૮૫૦૦૦ થી વધુ સહકારી સંસ્થાઓ આવેલી છે. જેમાં ૨.૩૧ કરોડ સભાસદ છે, જેનો સીધો અર્થ એ છે કે, પ્રત્યેક ત્રીજો ગુજરાતી સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. ગુજરાતમાં દર ત્રીજો ગુજરાતી જોડાયેલો હોવાથી રાજકીય વજન પડે છે.