રાહુલ સામે કાર્યવાહી બાદ કોંગ્રેસનું કેમ્પેન : દિલ્હી-જમ્મુ સહિત અનેક શહેરોમાં પ્રદર્શન,પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ

નવીદિલ્હી,કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ શુક્રવારે રદ્દ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણય પહેલા કોંગ્રેસ સહિત વિપક્ષની ૧૪ પાર્ટીઓએ પહેલા સંસદમાં અને પછી દિલ્હીમાં રસ્તા પર ઉતરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. વિરોધ પક્ષના નેતાઓએ વિજય ચોક સુધી કૂચ કરી હતી. વિપક્ષના સાંસદો દ્વારા જે પોસ્ટર લેવામાં આવ્યા હતા, તેના પર લખવામાં આવ્યું હતું- લોકશાહી જોખમમાં છે.

રાહુલનું સભ્ય પદ રદ્દ કરાયાના નિર્ણય બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે લોકશાહીની રક્ષા કરવા માટે અમારે જેલમાં જવું પડે તો પણ જઈશું. રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલય બહાર પણ કોર્યકરોએ દેખાવ કર્યા હતા. કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી હતી. દિલ્હી, જમ્મુ સહીત અનેક શહેરોમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે.

બીજી તરફ રાહુલ ગાંધીના સનર્થનમાં પાર્ટીએ સોશિયલ મીડિયા પર ’ડરો મત’ કેમ્પેન શરુ કરવામાં આવ્યું છે. પાર્ટીએ ટ્વિટર હેન્ડલ પર પણ તેને પોસ્ટ કર્યું છે. પાર્ટીના કાર્યકરો તેને શેર કરી રહ્યા છે. આ ઉપરાંત પાર્ટીના પ્રદર્શનમાં પણ આ નારાના બેનર અને પોસ્ટરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સંસદના બજેટસત્રના બીજા તબક્કાનો નવમો દિવસ છે. મોદી સરનેમ પર રાહુલ ગાંધીના નિવેદન બદલ ભાજપે સંસદમાં તેમની માફીની માગ કરી હતી. ભાજપનું કહેવું છે કે રાહુલનું સંસદ સભ્યપદ રદ કરવું જોઈએ. આ મુદ્દે સંસદમાં બંને ગૃહમાં ભારે હોબાળો થયા હતો. આ તરફ કોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલની સજાનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે. લોક્સભા સચિવાલયે રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ્દ કરી દીધું છે. માનહાનિના કેસમાં સુરતની કોર્ટે ગુરુવારે રાહુલને ૨ વર્ષની સજા ફટકારી હતી. રાહુલ ગાંધીએ ૨૦૧૯માં કર્ણાટકની સભામાં મોદી સરનેમ વિશે વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું- બધા ચોરની અટક મોદી કેમ હોય છે?

સુરત કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકારી હતી. રાહુલ ગાંધી સામે મોદી સરનેમ મામલે વિવાદાસ્પદ ટીપ્પણીનો આરોપ લાગ્યો હતો. આ મામલે રાહુલ સામે ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદન અને અદાણી મુદ્દે જેપીસી તપાસની માગને લઈને સંસદનાં બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. લોક્સભાની કાર્યવાહી શરૂ થતાં જ સ્થગિત કરવી પડી હતી. લોક્સભા સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્ર્નકાળની કાર્યવાહી શરૂ કરતાં જ ગૃહમાં હોબાળો મચી ગયો હતો. આ પછી સ્પીકરે કહ્યું હતું કે ગૃહમાં કાર્યવાહી ચાલે એ માટેના મારા પ્રયાસ છે, પણ ભારે હોબાળાને કારણે તેમણે લોક્સભાની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.