મુંબઇ,ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર અને રામાયણ પર આધારિત નિર્દેશક ઓમ રાઉતની ફિલ્મ ’આદિપુરુષ’ ફરી એકવાર ચર્ચામાં છે. ફિલ્મ ’આદિપુરુષ’ના રિલીઝ કરવામાં આવેલા ટીઝરમાં હનુમાનજી અને રાવણના પાત્રનું ચિત્રણ અને એનિમેશન દર્શકોને પસંદ ન આવતા ફિલ્મને લઈને મોટો વિવાદ ઊભો થયો હતો. ફિલ્મના મેર્ક્સે સાવચેતી રાખીને અને આ ઈશ્યુ ફિલ્મને નુક્સાન ન પહોંચાડે તે વિચાર સાથે ફિલ્મની રિલીઝ પોસ્ટપોન કરવાનું નક્કી કર્યું હતું અને ફિલ્મના વીએફએક્સ પર ફરી એકવાર કામ કરવાનું નક્કી કર્યું હતું.
ફિલ્મમાં પ્રભાસ ભગવાન શ્રી રામનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મને ૭ વિવિધ ભાષામાં રિલીઝ કરવાના પ્લાન સાથે હિન્દી વર્ઝન માટે ભગવાન રામના પાત્રના વોઈસ ઓવર માટે એક્ટર શરદ કેલકરનું સિલેક્શન કરવામાં આવ્યું છે. શરદે પોતાના સિલેક્શન અંગે જણાવ્યું હતું કે, આ મારા માટે બહુ જવાબદારી ભર્યું કામ હતું. મેં અનેક એક્ટર્સ માટે પોતાનો અવાજ આપ્યો છે પણ જયારે ભગવાન શ્રી રામના પાત્રની વાત આવે છે ત્યારે વિશેષ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. તમારી એક ભૂલ તમારા સંપૂર્ણ કામને ખરાબ કરી દે તેમ પણ બની શકે છે. મેં ખૂબ જ ધ્યાનથી વોઈસ ઓવરનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. ભગવાન રામના પાત્રના વોઈસ ઓવર માટે મારું સિલેક્શન થવું તે એક નવા ચેલેન્જની સાથે સૌભાગ્યની વાત છે.
શરદ અગાઉ પણ અનેક સાઉથ ઈન્ડિયન સુપરસ્ટાર્સની ફિલ્મોના હિન્દી વર્ઝન માટે પોતાનો અવાજ આપી ચૂક્યો છે. ’બાહુબલિ’ સિરીઝની બંને ફિલ્મોમાં પણ પ્રભાસના પાત્ર પાછળના હિન્દી વોઈસ ઓવરમાં પણ શરદના જ ટેલેન્ટની કમાલ હતી. ’બાહુબલિ’ની રિલીઝના અનેક મહિના બાદ, શરદના નામનો ખુલાસો થતાં શરદની લોકપ્રિયતામાં વધારો થયો હતો.