બહુપત્નીત્વ, હલાલા વિરુદ્ધની અરજીઓની સુનાવણી માટે સુપ્રીમ નવી બેન્ચ બનાવશે

નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટ મુસ્લિમ સમાજમાં બહુપત્નીત્વ અને નિકાહ હલાલાની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજીઓની સુનાવણી માટે યોગ્ય તબક્કે પાંચ ન્યાયાધીશોની નવી બંધારણીય ખંડપીઠની રચના કરશે. વકીલ અશ્ર્વિની ઉપાધ્યાય આ અંગે જાહેર હિતની અરજી કરેલી છે.મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ પી એસ નરસિમ્હા અને જે બી પારડીવાલાની બનેલી ખંડપીઠ સમક્ષ અશ્ર્વિની ઉપાધ્યાયે રજૂઆત કરી હતી કે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૪ બહુપત્નીત્વ, હલાલા વગેરેને મંજૂરી આપે છે અને તેને રદ કરવાની જરૂર છે.

ગયા વર્ષે ૩૦ ઓગસ્ટે ન્યાયાધીશો ઈન્દિરા બેનર્જી, હેમંત ગુપ્તા, સૂર્યકાન્ત, એમ એમ સુંદરેશ અને સુધાંશુ ધુલિયાની બનેલી પાંચ જજોની ખંડપીઠે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ, રાષ્ટ્રીય મહિલા પંચ અને રાષ્ટ્રીય લઘુમતી પંચને આ અંગેની જાહેર હિતની અરજીઓ અંગે પક્ષકારોએ બનાવ્યા હતા અને તેમના જવાબો માંગ્યા હતા.

જસ્ટિસ બેનર્જી અને જસ્ટિસ ગુપ્તા ગયા વર્ષે અનુક્રમે ૨૩ સપ્ટેમ્બર અને ૬ ઓક્ટોબરે નિવૃત્ત થયા હતા, તેથી નવી ખંડપીઠની રચના કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. બહુપત્નીત્વ અને ’નિકાહ હલાલા’ની પ્રથાઓ વિરુદ્ધ આઠ અરજીઓ થયેલી છે. બહુપત્નીત્વ મુસ્લિમ પુરુષને ચાર પત્નીઓ રાખવાની મંજૂરી આપે છે, જ્યારે નિકાહ હલાલા એક જૂની પ્રથા છે. તેમાં છૂડાછેડા પછી પોતાના પતી સાથે ફરી લગ્ન કરવા માગતી મુસ્લિમ મહિલાએ પ્રથમ બીજા મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કરવા પડે છે અને પછી છૂટાછેડા લેવા પડે છે. સર્વોચ્ચ અદાલતે જુલાઈ ૨૦૧૮માં અરજી પર વિચારણા કરી હતી અને આ મામલાને બંધારણીય બેંચને મોકલ્યો હતો જે પહેલાથી જ આવી અરજીઓની સુનાવણી કરતી હતી.