
ગુરૂદાસપુર,પંજાબમાં ડ્રોન દ્વારા ઘુસણખોરીના પ્રયાસો ચાલુ છે. ૨૪ માર્ચના રોજ સવારે ૨.૨૮ કલાકે ગુરદાસપુર સેક્ટરના મેટલા વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોને ભારત-પાકિસ્તાન સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. સરહદ પર તૈનાત બીએસએફના જવાનોએ ડ્રોન પર ગોળીબાર કરીને તેનો પીછો કર્યો હતો. આ પછી, સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન બીએસએફ જવાનોએ એક પેકેટ કન્સાઈનમેન્ટ રિકવર કર્યું હતું, જેને ડ્રોનથી છોડવામાં આવ્યું હતું. તેમાં ૫ પિસ્તોલ, ૧૦ પિસ્તોલ મેગેઝીન, ૯ એમએમના ૭૧ રાઉન્ડ અને .૩૧૧ના ૨૦ રાઉન્ડ હતા.
પંજાબ પોલીસે ગેંગસ્ટરો, આતંકવાદીઓ અને દાણચોરો પર પોતાની પકડ વધુ કડક કરી છે. એક વર્ષમાં ૨૬ આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો અને ૧૬૮ આતંકીઓની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. આ સાથે જ પોલીસને ૧૬૨ ગેંગસ્ટર મોડ્યુલનો પર્દાફાશ કરવામાં પણ સફળતા મળી છે. આતંકવાદીઓ પાસેથી અતિ આધુનિક હથિયારો પણ મળી આવ્યા છે. આ ઉપરાંત સરહદ પારથી આવતા ૩૦ ડ્રોનને પણ પોલીસે અન્ય સુરક્ષા એજન્સીઓની મદદથી નીચે ઉતાર્યા છે.
ડીજીપી ગૌરવ યાદવે કહ્યું કે પંજાબ પોલીસ દ્વારા રાજ્યની સુરક્ષાને મજબૂત કરવા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકોએ ડરવાની જરૂર નથી. રાજ્યને ડ્રગ ફ્રી સ્ટેટ બનાવવા માટે ડીજીપીએ કહ્યું કે પંજાબ પોલીસે ડ્રગ્સ સામે નિર્ણાયક યુદ્ધ છેડ્યું છે. ૧૬ માર્ચ, ૨૦૨૨ થી, ૧૩,૦૯૪ એફઆઇઆર નોંધીને ૧૭,૫૬૮ ડ્રગ પેડલર્સની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે માત્ર એક વર્ષમાં રેકોર્ડ ૮૬૩.૯ કિલો હેરોઈન રિકવર કર્યું છે.