ઝાલોદ પાલિકા ના ભ્રષ્ટાચાર અંગે ની તપાસ માં વિલંબ બે કાઉન્સિલર ની મોત છતાં પાલિકા ના ભ્રષ્ટાચાર અંગે નું મૌન ખરેખર વિચારવા જેવું!!!

ઝાલોદ,
ઝાલોદ નગર પાલિકા ના કાઉન્સિલર હિરેન પટેલ ની હત્યા બાદ થોડાક જ અંતરાલમાં પાલિકાના જ અન્ય કાઉન્સિલર અંતિમ અગ્રવાલ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી. હિરેન પટેલની હત્યામાં પાલિકા સાથે સંકળાયેલા લોકોનો જ હાથ હોવાનું જ્યારે સામે આવ્યું હતું. અને પોલીસ હાલ મુખ્ય માથાઓ સુધી પહોંચવા માટે પણ લાગેલી જોવા મળી રહી છે.
ત્યારે અન્ય એક કાઉન્સિલર અંતિમ અગ્રવાલ દ્વારા પણ આત્મહત્યા કરવામાં આવતા, આ માટે પાલિકા ના રાજકારણ થી લઈને પાલિકામાં થયેલો કરોડો નો ભ્રષ્ટાચાર જ જવાબદાર હોવાનું સર્વવિદિત છે. ત્યારે અંતિમ અગ્રવાલના પરિવાર દ્વારા મહિલા કાઉન્સિલરના પતિ દ્વારા ફોન પર આપવામાં આવેલી ધમકી ને કારણે જ અંતિમ અગ્રવાલ દ્વારા આત્મહત્યા નું અંતિમ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કુલડીમાં જ ગોળ ભાગવામાં આવી રહ્યો હોય તેમ હાલ તો લાગી રહ્યું છે.અને આ અંગે પાલિકા તંત્રનું મૌન એ ખરેખર વિચારવા જેવું છે.

હિરેન પટેલની હત્યામાં સામેલ અજય કલાલના નામે દુકાન ખોટા બીલો રજૂ કરી અને સંમતિ પત્રક બનાવી બારોબાર ફાળવવા માં આવી હોવાનું બહાર આવ્યું હતું. તો અંતિમ અગ્રવાલ ની આત્મહત્યા માં પણ મહિલા કાઉન્સિલર ના પતિ ની અવેજ માં તેના મિત્ર ને આપવામાં આવેલ મત્સ્ય ઉછેરના વાર્ષિક ટેન્ડરમાં ગેરરીતિઓ જ જવાબદાર છે.
તેમ છતાં બે બે કાઉન્સિલર ના કસમયે થયેલા મોત છતાં પણ પાલિકા માં થયેલા ભ્રષ્ટાચાર અંગે કોઈ જ તપાસ હજી સુધી આરંભવામાં આવી નથી જે ખરેખર સમજી શકાતું નથી. ત્યારે પાલિકા તંત્ર ના ભ્રષ્ટાચાર ને લઈને અખત્યાર કરવામાં આવેલા નરમ વલણ ને લઈને નગરજનોમાં પાલિકા તંત્ર તરફ હાલ તો રોષની લાગણી જોવા મળી રહી છે.

રામસાગર તળાવ ના મત્સ્ય ઉછેર માટે થયેલા તળાવ માં પણ ગેરરીતિ…..

રામસાગર તળાવ ના મત્સ્ય ઉછેર માટે અગાઉ થયેલો ત્રણ લાખ ઉપરાંત નો કોન્ટ્રાક્ટ રદ કરી અને પાલિકાના મહિલા કાઉન્સિલર દ્વારા માત્ર એક લાખ ત્રીસ હજારમાં જ પોતાના જ મિત્રના નામે લેવામાં આવ્યો હતો. જો કે આ અંગે પાલિકા તંત્ર દ્વારા વારંવાર નોટીસ આપવા છતાં રકમ ભરવામાં આવી નહોતી. અને તેમાં બોગસ બીલો રજૂ કરી અને દુકાન જેવી જ રીતે રકમ ભરવામાં આવી હતી. આ અંગે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવ્યા છતાં આ રકમ ભરવામાં આવી નહોતી જેને પગલે પાલિકા તંત્ર દ્વારા તળાવ નો આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે તેવી વકી હતી. જેના બીજા દિવસે જ મહિલા કાઉન્સિલરના પતિ દ્વારા અંતિમ અગ્રવાલ ને ફોન પર ધાક ધમકી આપવામાં આવી હતી. જેનાથી કંટાળી ને જ અંતિમ અગ્રવાલ દ્વારા પોતે આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.

પાલિકા ના તમામ કામો ની માહિતી લેવા પોલીસ ફરકી જ નહિ……

હિરેન પટેલ ની હત્યા બાદ પોલીસ તંત્ર દ્વારા પાલિકામાં ગત અઢી વર્ષના કામો અંગેની તપાસ માટેના દસ્તાવેજોની માંગ કરી હતી. જો કે એક મહિનાનો સમય વિતી જવા છતાં પોલીસ આ માહિતી લેવા હજી સુધી ફરકી પણ નથી, ત્યારે પોલીસ પણ આ અંગે નરમ વલણ જ દાખવતી હોવાનું કહેવાય છે.

બે માસના ટૂંકા ગાળા માં જ જ્યારે પાલિકાના બે જેટલા કાઉન્સિલરનું કસમયે થયેલા મૃત્યુ માટે જવાબદાર પાલિકાના રાજકારણ કે પાલિકા ના જ ભ્રષ્ટાચાર ને જ જ્યારે કારણભૂત માનવામાં આવે છે. ત્યારે, આ ભ્રષ્ટાચાર ની તપાસ અંગેનું મૌન એ ખરેખર ઉડી ને આંખે વળગે છે. ત્યારે આ અંગે જરૂરી પગલાં લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.