દે.બારીઆના વાંદર ગામે રેતીની લીઝ પર દરોડો કરી દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

દે.બારીઆ,

દે.બારીઆ તાલુકાના વાંદર ગામે ચાલતી રેતીની લીઝ પર ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી હિટાચી મશીન અને રેતી ભરેલા ડમ્પરો મળી અંદાજે દોઢ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દાહોદ જિલ્લાના દે.બારીઆ તાલુકામાંથી પસાર થતી પાનમ અને ઉજળ નદીમમાં ગેરકાયદે રેતી ખનનો મોટા પ્રમાણમાં વેપલો ચાલી રહ્યો છે. ખાણ ખનીજ વિભાગ અવાર નવાર દરોડો પાડી કાર્યવાહી કરે છે. તેમ છતાં ગેરકાયદે રેત ખનનો વેપલો પુરજોશમાં ચાલી રહ્યો છે. ખાણ ખનીજ વિભાગે દે.બારીઆ તાલુકાના વાંદર ગામે રેતીની લીઝ પર દરોડો પાડી એક હિટાચી મશીન તેમજ ત્રણ જેટલા રેતી ભરેલા ડમ્પરો ઝડપી પાડ્યા હતા. હિટાચી મશીન ગ્રામ પંચાયતમાં કબ્જામાં સોંપી દીધા હતા. જયારે રેતી ભરેલા ત્રણ ડમ્પરોને ખાણ ખનીજ વિભાગની જિલ્લા સેવાસદનની કચેરીએ લાવી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. જે તે જગ્યાએ રેતી ખનન કરનાર વ્યકિત દ્વારા કેટલુ ખોદકામ કર્યુ છે તે અંગે સ્થળ પર જ માપણી કરી રેતી ખનન કરનારની લીઝ કાયદેસર કે પછી ગેરકાયદેસર તપાસ કરી નિયમોનુસાર દંડ કરવાનો હોય છે.