અફઘાનિસ્તાન બાદ આર્જેન્ટિના અને ચિલીમાં પણ ભૂકંપના આંચકા

સેન એન્ટોનિયો,અફઘાનિસ્તાન બાદ આર્જેન્ટિના અને ચિલીમાં પણ ગત રાત્રે ભૂકંપ નોંધાયો છે. જેમાં આર્જેન્ટિનામાં ૬.૫ અને ચિલીમાં ૬.૩ની તીવ્રતાના ધરતીકંપ આવ્યો હતો. હાલ આ બન્ને દેશમાં જાનહાનીના કોઈ અહેવાલ નથી.

આર્જેન્ટિનામાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સરવેએ ભૂકંપની પુષ્ટી કરી હતી. યુએસ જિયોલોજિકલ સર્વેએ આર્જેન્ટિનાના સેન એન્ટોનિયો ડી લોસ કોબરેસના ઉત્તર-ઉત્તરપશ્ર્ચિમમાં ૮૪ કિમીના અંતરે ૬.૫ની તીવ્રતાવાળા ભૂકંપની માહિતી આપી હતી. હાલ યુએસજીએસએ ભૂકંપથી કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલ આપ્યા નથી.સેન એન્ટોનિયો ડી લોસ કોબેસ ઉત્તર પશ્ર્ચિમી આર્જેન્ટિનામાં એક નાનકડું શહેર છે. યુએસજીએસની માહિતી અનુસાર ભૂકંપ બુધવારે આર્જેન્ટિનાના સેન એન્ટોનિયો ડી લોસ કોબરેસમાં ૨૧:૩૦:૩૧ વાગ્યે આવ્યો અને તેનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી ૨૧૦ કિ.મી. ઊંડે હતું. જ્યારે બીજી બાજુ ચિલીના ઈક્વિપમાં પણ બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા ૬.૩ની નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી.

અગાઉ મંગળવારે મોડી રાત્રે ભારત સહિત સમગ્ર વિશ્ર્વના લગભગ નવ દેશોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન લોકોએ લગભગ ૪૦ સેકન્ડ સુધી આંચકા અનુભવ્યા. સ્થિતિ એવી બની કે લોકો ગભરાઈને ઘરની બહાર ભાગવા લાગ્યા. મળતી માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા ૬.૬ હતી. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હિન્દુકુશથી ૧૩૩ કિમી દક્ષિણપૂર્વમાં હતું. જો કે ભૂકંપના કારણે ભારતમાં કોઈ જાનહાની કે જાનહાનિ થઈ નથી. જો કે પાડોશી દેશ પાકિસ્તાન આનાથી ખૂબ પ્રભાવિત થયું હતું. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ઈમારત ધરાશાયી થવાને કારણે અત્યાર સુધીમાં કુલ ૧૧ લોકોના મોત થયા છે અને ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે