- વર્ષ ૨૦૧૯-૨૦માં રસ્તા, ચેક વોલ, પેવર બ્લોક, માટી-મેટલ, નાળાના કામોના જાણ બહાર ઠરાવ.
- રજુઆત કરવા છતાં તાલુકા પંચાયત દ્વારા તપાસના નામે મૌન.
- કેમ અત્યાર સુધી ગ્રામ પંચાયતના સરપંચ તથા જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આંખ આડા કાન.
- અનેકવાર રજુઆતો કરવા છતાં તપાસ કાર્યરત હોવાની બહાના બાજી.
- સ્થળ પર કામ કર્યું નથી અને સરકારી નાણાં ઉપાડયા હોવાના આક્ષેપો.
- તાલુકા પંચાયત દ્વારા તપાસ હાથ નહીં ધરતાં અનેક શંકા કુશંકાઓ.
- સરપંચે ચાર્જ સ્વીકારવાની સાથે જ ગેરરીતિ શરૂ કરી દીધી હતી.
- સભ્યો કે ગ્રામજનોની જાણ બહાર વહીવટી મંજૂરી મેળવી હતી.
- સરપંચ, તલાટી અને જીઆરએસ એ નિતિ નિયમો બાજૂ મૂકીને મીલીભગતથી ભૂતિયા જોબકાર્ડ બનાવાયા હતા.
ગોધરા,
ગોધરા તાલુકાના ઘુસર (નવી વસાહત) ગ્રામ પંચાયતના સત્તાધીશોએ મનરેગા યોજના હેઠળ બોગસ લાભાર્થીઓના જોબકાર્ડ બનાવી નાણા ઉપાડયા. રસ્તાના કામોમાં જેસીબીનો ઉપયોગ કરાયો હતો. જ્યાં જૂના નાળા હતા ત્યાં માત્ર ૧૦ થી ૧૫ % નાણા વાપર્યા. ચેક વોલ તકલાદી બનાવાતા ગુણવત્તા વિના પાણી સંંગ્રહ થઈ શકે નથી. આથી મનરેગા યોજનામાં મિલીભગતથી આર્થિક ગેરરીતિ આચરીને નાણાની ઉચાપત થતાં સભ્યો તથા ગ્રામજનોએ ઉચ્ચસ્તરે રજુઆત કરીને તપાસની માંગ કરી હતી પરંતુ બે માસ જેટલો સમય વિતવા છતાં તાલુકા પંચાયત દ્વારા તપાસ હાથ નહીં ધરતાં અનેક શંકા કુશંકાઓ વ્યાપી છે. અને જવાબદારોને છાવરવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે.
ગત સપ્ટેમ્બર માસમાં ગોધરા તાલુકાના ઘુસર (નવી વસાહત) ગ્રામ પંચાયતના સભ્યો કોકિલાબેન મહિપતસિંહ રજાત, ચંદ્રિકાબેન કમલેશ પલાસ તથા ગ્રામજનોએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત દ્વારા મનરેગા યોજનામાં ગેરરીતિ કરીને સરકારી નાણાની ઉચાપત કરાયેલી છે. જેમાં વર્ષ ૧૯-૨૦ના મનરેગા યોજના હેઠળ ચેક વોલ, પેવર બ્લોક, માટી-મેટલ રસ્તા, નાળા, તળાવ ઊંડા કરવા માટે ઠરાવો જાણ બહાર કરી તાલુકા પંચાયતમાંથી તાત્કાલીક વહીવટી મંજૂરી મેળવીને કામો શરૂ કર્યા છે. આ યોજનાથી ગરીબ બેરોજગારોને ઘર આંગણે રોજગારી આપવાનું છે. પરંતુ સરપંચ, તલાટી, જીઆરએસ એ મનરેગાન નીતિ નિયમોને બાજુ પર મૂકીને એકબીજાની મિલીભગતથી લોકોની જાણ બહાર ભૂતિયા જોબકાર્ડ બનાવીને વિવિધ કામો માટે તાલુકા પંચાયતમાંથી મસ્ટર મેળવી તેમાં બોગસ સહીઓ કરીને નાણા બારોબાર ઉપાડી લીધેલ છે. જે નામે મસ્ટ ઈશ્યુ થયેલ છે તેવા માણસો આ કામથી અજાણ છે અને કયારે કામો કર્યા નથી. આ સહી કરનારાઓ મોટાભાગે રોજગારી માટે બહાર ગામ હોય છે. તેમના બોગસ બેંક ખાતા ખોલાવીને બારોબાર ઉપાડી છે. જ્યારે અન્ય ખાતા પીધે સુખી પરિવારોના પણ મસ્ટરમાં નામ દાખલ કર્યા છે. માટી-મેટલના રસ્તા કામમાં જેસીબી અને ટ્રેકટરનો ઉપયોગ કરી મોટી રકમના બિલો લાભાર્થીના નામે ઉપાડયા છે. માત્ર ૧૦ % જ નાણા સ્થળે વપરાયા છે. બાકીના બોગસ બિલો મૂકી ઉપાડયા છે. નાળાના કામોમાં જૂના ચેક ડેમ હતા ત્યાં ફકત નાળા ગોઠવી ફોટા પાડી તાલુકા પંચાયતમાં સુપરવાઈઝરની મિલીભગતથી નાણા ઉપાડયા છે. જે હેતુથી જરીયાત ઊભી થાય તેવો હેતુ સ્થળે જણાતો નથી. જ્યાંં નાળાની જરૂરીયાત નથી. ત્યાંં માત્ર નાણાનો દુરઉપયોગ થયો છે. જ્યાં ચેકવોલમાં માત્ર ૧૦ % નાણાનો ઉપયોગ થતા ગુણવત્તા ન જળવાતા એક જ વરસાદમાં તૂટી ગયેલ છે. તકલાદી માલ-સામાન વાપર્યો છે. અત્યારે શોભાના ગાંઠીયારૂપ દેખાય છે અને પ્લાસ્ટર ન દેખાતા પાણીને અટકાવીને ભવિષ્યમાં ખેતી માટે ઉપયોગમાં લઈ શકતો નથી. ચેકડેમ બનાવેલ ત્યાં સપાટ જમીન હોવાથી પાણી સંગ્રહ થઈ શકે તેમ નથી. આથી ઉચાપતનો હેતુ જણાય છે. પેવર બ્લોક પણ સરપંચના વગદારને ત્યાં બનાવી કયાંય રેતી મેટલ કે સીસી કામ કરેલ નથી. માત્ર પેવર બ્લોકના ફોટા પડાવીને કામો મંજૂર કરાવીને ગેરરીતિ કરાઈ હતી. આ અંગે અરજદારે તાલુકા પંચાયતને પણ રજુઆત કરી હતી પરંતુ બે માસ જેટલો લાંબો સમય વિતવા છતા હજુ સુધી કોઈ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવતા કામગીરી બાબતે અરજદારોમાં અનેક શંકા કુશંકાઓ વ્યાપી છે. અનેકવાર રજુઆતો કરવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી હાથ નહી ધરીને તપાસ ચાલુ છે. તેવી બ્હાના બાજી કરીને આવા જવાબદારોને છાવરવાના પ્રયત્નો કરાઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠયા છે.
વિક્રેતાના દસ્તાવેજી પુરાવાની ચકાસણી કર્યા વિના ખરીદી થઈ હતી…..!
સરપંંચ, તલાટીએ આવા કામો કરવા બિલો રજૂ કયા તે કોઈ પેઢી કે દુકાન પણ આવેલી નથી પોતાની મેળે બિલો છપાવીને બિલો રજૂ કરેલ છે. આ મુકાયેલા બિલોના દુકાનો / સપ્લાયર્સ / પેઢીઓ / કવોરીઓ/ સિમેન્ટના વેપારીઓને ત્યાં રૂબરૂ જઈ તપાસ થાય તો આવા કોઈ વિક્રેતા નથી. જેથી સ્થળે રૂબરૂ તપાસ કરવી જોઈએ. જો વિક્રેતા હોય તો સરકારમાંંથી મંજૂરી મેળવેલ છે કે કેમ ? તેઓ સરકારમાં ભરવાપાત્ર સેલ્સ ટેક્ષ/ એકસાઈસ ડયૂટી / સર્વિસ ટેકસ ભરેલ છે ?
જે સામાન માટેના બિલ આપ્યા છે. તે માલ ધરાવે છે કે અન્ય વેપારીઓ પાસેથી ખરીદે છે ? જો આ ગ્રામ પંચાયતે ગિરીરાજ ટ્રેડર્સ/સિટીઝન ઈન્ફોરમેશન બોર્ડ જેવી કેાઈ વેપારી આવેલ નથી. જો હયાત હોય તો ખરેખર ઘંઘો કરેલ છે. આવી દુકાન/વેપારી પેઢીએ જીએસટી મેળવેલ છે કે કેમ ? સરકારમાં સેલ્સ ટેક્ષની રકમ ભરે છે કે કેમ તેની તમામ તપાસ થવી જોઈએ. કારણ કે રજૂ થયેલા બિલો તમામ બોગસ જણાય છે.
લો બોલો…. તંત્ર જ કહે છે કામો અધુરા છે…..
આ અંંગે પુછતા ગોધરા તાલુકા પંચાયતના નરેગા વિભાગમાં ફરજ બજાવતા એપીઓ અરવિંદભાઈ બારીઆ એ જણાવ્યું હતું કે, હાલ મારી બદલી થઈને ચાર્જ લીધો છે. ભુતકાળમાં થયેલા કામો સ્થળ પર છે કે નથી કે આ ગેરરીતિ બાબતે કોઈપણ પ્રકારની માહિતી મારી પાસે નથી. અને હાલ આ ગેરરીતિ સંદર્ભે તપાસ ચાલુ છે. પરંતુ પ્રથમ દ્રષ્ટિ એ કામો અધુરા હોવાનું પણ જાણવા મળેલ છે.
જો કામો જ અધુરા હોય તો બીલો કઈ રીતે ચુકવાયા ?
એક બાજુ તંત્ર જ કબુલે છે કે, ઘુસર (નવી વસાહત) ગામે નરેગા યોજના અંતર્ગત વિવિધ કામો અધુરા છે. તો પ્રશ્ર્ન એ સર્જાય છે કે, જો કામો અધુરા હોય ત્યારે તેના ચુકવણા કરવાના હોતા નથી. સ્થળ તપાસ તથા કામગીરીની ગુણવતા બાદ જ સરકારી નાણંાની ચુકવણી કરવાની હોય છે. પરંતુ આ ઘુસર (નવી વસાહત) ગામમાં અધુરા કામોના બીલો મંજુર કરી નાણાં ચુકવી દીધા હોવાનું બહાર આવ્યું છે. જો લાખોના બીલો ચુકવ્યા હોય તો તેના માટે જવાબદાર ગણાતા સરપંચ કાંતો એકાઉનટન્ટની મીલીભગતની પોલ ખોલીને તેઓ સામે કાયદાકીય પગલાં ભરવા જોઈએ. ત્યારે વહેલીતકે ડી.ડી.ઓ. એ સમગ્ર કૌભાંડની તલસ્પર્શી તપાસ કરીને તેઓ સામે પોલીસ ફરીયાદ કરવી જોઈએ તેવી અરજદારો પણ માંગ કરી રહ્યા છે.