કિરણ પટેલ સામે પૂર્વ મંત્રીના ભાઈની ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી

  • કિરણ પટેલે બંગલાના રિનોવેશનના નામે પૂર્વ મંત્રીના ભાઈ પાસેથી ૩૫ લાખ પડાવ્યા.

અમદાવાદ,ગુજરાતના મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ફરિયાદ નોંધી છે. ગુજરાતના એક પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડાના બંગલામાં રિનોવેશનના નામે ૩૫ લાખની ઠગાઈ અને ગેરકાયદે ઘૂસીને કોર્ટમાં દાવો કરનારા કિરણ પટેલ સામે હવે ગાળિયો મજબૂત બની રહ્યો છે. ફરિયાદમાં કિરણે પત્ની માલિની પટેલ સાથે મળીને વિશ્ર્વાસઘાત અને ઠગાઈ કર્યાનો આરોપ છે. ફરિયાદી જગદીશ ચાવડાએ આરોપ લગાવ્યો હતો કે કિરણ પટેલે પ્રધાનમંત્રી ઓફિસમાં ક્લાસ વન ઓફિસર હોવાનું કહીને મારી સાથે ઠગાઈ કરી છે.

જગદીશ ચાવડાએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ પ્રોપર્ટી લે વેચનો ધંધો કરે છે અને પત્નીની વય અવસ્થાને કારણે તેમને મોટા બંગ્લામાં રહેવાનું ફાવતું નહી હોવાથી તેમનો શિલજ પાસેનો નિલકંઠ બંગલો વેચીને નાના મકાનમાં રહેવાનું નક્કી કર્યું હતું. તેમણે આ બંગલો વેચવા માટે પરિચિતો અને સગા સંબંધીઓને વાત કરી હતી. ફેબ્રુઆરી ૨૦૨૨માં કિરણ પટેલ નામના વ્યક્તિએ મારી પત્ની સાથે ફોન પર વાત કરી હતી કે તે પ્રોપર્ટી લે વેચનું કામ કરે છે અને તમારે શિલજ ખાતેની પ્રોપર્ટી વેચવાની છે? ત્યાર બાદ મારી પત્નીએ તેને હા કહેતા તે અમારા ઘરે મળવા આવ્યો હતો.

કિરણ પટેલને જગદીશ ચાવડાએ બંગલો બતાવતાં તેણે કહ્યું હતું કે આ બંગ્લામાં રિનોવેશનનું કામ કરવામાં આવે તો બંગલાનો ભાવ સારો મળે તેમ છે બસ આટલું કહીને તે જતો રહ્યો હતો. ત્યાર બાદ કિરણ પટેલે જગદીશ ભાઈને તેના ટી પોસ્ટ કાફેમાં મળવા બોલાવ્યા હતાં. આ સમયે તેણે કહ્યું હતું કે તે આ ટી પોસ્ટમાં ભાગીદાર છે તે મોટી રાજકીય વર્ગ ધરાવે છે તથા વડાપ્રધાનની કચેરીમાં ક્લાસ વન અધિકારી તરીકે નોકરી કરે છે. તેણે એવું પણ કહ્યું હતું કે તેને બંગ્લાના રિનોવેશનનો સારો અનુભવ અને શોખ છે. તેણે આ મકાન રીનોવેશન કરાવીને વેચવાની વાત કરતાં જગદીશ ભાઈ તેની વાતમાં આવી સંમત થઈ ગયાં હતાં અને ૩૦થી ૩૫ લાખનું કામ કરી આપવાની ડીલ પણ કરી હતી. ત્યાર બાદ કિરણ, તેની પત્ની માલિની અને ઈન્ટિરિયર ડિઝાઈનર ઝુબિન પટેલ સાથે અમારા બંગલે આવ્યા હતાં. ત્યાર બાદ બીજા જ દિવસે રીનોવેશનનું કામ શરૂ કરી દીધું હતું. આ કામ શરૂ થતાં જગદીશભાઈ શેલા ખાતે તેમના મિત્રના બંગ્લામાં શિફ્ટ થયા હતાં. મેં રીનોવેશન દરમિયાન કિરણ પટેલને ટુકડે ટુકડે કરીને ૩૫ લાખ રૂપિયા રોકડા આપ્યા હતાં. આ દરમિયાન જગદીશભાઈ જૂનાગઢ ગયા અને કિરણ પટેલે તેમના ઘરની બહાર પોતાના નામનું બોર્ડ લગાવી દીધું હતું. તેણે બંગ્લામાં પૂજા પાઠ પણ કરાવ્યાં હતાં. આ બાબતની જાણ જગદીશભાઈને તથા તેમણે બંગલે જઈને કિરણને વાત કરી તો કિરણે કહ્યું કે તમારો બંગલો મારે જ ખરીદવો છે અને પેમેન્ટની વાત થતાં તેણે કહ્યું હતું કે, તેનું અદાણીનું મોટું કામ ચાલે છે જેનું પેમેન્ટ આવશે પછી બંગલાના પૈસા આપી દઈશ.

આ સમયમાં જગદીશભાઈને કિરણની વાતોમાં શંકા થઈ હતી અને તેમણે બંગલાના રિનોવેશનને ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું. ત્યારે કિરણ પટેલ બંગલાનું કામ અધૂરુ મુકીને જતો રહ્યો હતો. બાદમાં જગદીશભાઈ બંગલામાં ફરીવાર રહેવા માટે આવી ગયાં હતાં. ત્યાર બાદ ઓગસ્ટ ૨૦૨૨માં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાંથી નોટીસ આવી હતી અને જેની તપાસ કરતાં કિરણ પટેલે આ બંગલા માટે કોર્ટમાં ખોટો દાવો કર્યો હતો.