ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડનું ૧૩.૦૮ કરોડ રૂપિયાનું ભાડું હજું વસૂલવાનું બાકી

ગાંધીનગર,વિધાનસભામાં કોંગ્રેસે સરકારને સવાલ કર્યો હતો કે, ગાંધીનગરમાં સેક્ટર ૧૭ ખાતે આવેલ કન્વેન્શન હોલનું સંચાલન અને જાળવણી કોના દ્વારા કરવામાં આવે છે અને ડોમની જાળવણી કરનાર એજન્સી પાસેથી કેટલી રકમ લેવામાં આવે છે તેમજ હજી કેટલી રકમ બાકી છે. કોંગ્રેસના સવાલનો જવાબ આપતાં સરકારે કહ્યું હતું કે, ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૧૯થી કે એન્ડ ડી કોમ્યુનિકેશન લિમિટેડને રોયલ્ટીથી આપેલ છે. સરકારે કહ્યું હતું કે, કોરોનાના સમયગાળામાં આ એજન્સી પાસેથી એક વર્ષના કુલ ૧૩.૦૮ કરોડ રૂપિયા રોયલ્ટી પેટે વસૂલવાના બાકી છે.

જ્યારે વર્ષ એપ્રિલ ૨૦૨૨થી ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં બાકીની રોયલ્ટીની રકમ ૬.૩૩ કરોડ ભરવા માટે એજન્સીને નોટીસ પાઠવવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપતાં કહ્યું હતું કે, ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડનું કરોડો રૂપિયાનું ભાડુ વસૂલવાનું બાકી છે. ૧૭ માર્ચ ૨૦૨૦થી ૩૦ નવેમ્બર ૨૦૨૧ સુધીના સમયગાળાનું ભાડુ બાકી છે. જેમાં ૧૩ કરોડ ૮ લાખ ૧૬ હજાર ૧૧૦ રૂપિયાની રકમ લેવાની બાકી છે. કોરોનાનો સમયગાળો હોવાથી એજન્સીએ સરકાર સામે રાહત આપવા માંગ કરી હતી. જે અંતર્ગત ૬ કરોડ ૩૩ લાખ ૪૫ હજાર વસૂલવાના બાકી છે.