દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદથી ઉભા પાકને થયેલ નુકસાનના વળતર માટે ધારાસભ્ય દ્વારા રજુઆત

  • જિલ્લા ખેતીવાડી અધિકારી પાકને નુકસાન ન થયાનો દાવો કરી રહ્યા છે

દાહોદ,

દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પરિવર્તનને કારણે છેલ્લા દસ વર્ષમાં પહેલી વખત માર્ચના ત્રીજા સપ્તાહમાં પારો 30 ઉપર સ્થિર જોવા મળી રહ્યો છે. જે સામાન્ય રીતે માર્ચમાં ત્રીજા સપ્તાહમાં 25 થી 38 ડિગ્રીની ઉપર હોય છે. દસ વર્ષમાં માર્ચના ત્રણેક દિવસ બાદ કરતા આખો મહિનો આ વખતે સોૈથી ઠંડો રહ્યો હતો. હવામાન ખાતાની આગાહી બાદ મહિનામાં એક સપ્તાહ વરસાદ રહ્યો છે. જોકે આ વરસાદ સાથે વાવાઝોડુ અને વીજળી પડવાની ધટનાઓએ જિલ્લામાં ભારે નુકસાન સાથે માણસો અને પશુઓનો જીવ પણ ગુમાવવા પડ્યા હતા. સોૈથી વધુ તકલીફ ખેડુતોને થઈ હતી. ખેતરમાં લહેરાતા અને કાપીને મુકેલા ધઉં, ચણા, પલળી જતા તેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેતીવાડી વિભાગનુ માનવુ છે કે,મહત્તમ પાક કપાઈ ગયો હતો. હવામાન વિભાગે આગાહી આપી જ દીધી હતી જેથી તમામે પોતાના પાકનુ રક્ષણ કરી લીધુ હતુ. જો કે જિલ્લામાં પાકને નુકસાન થયુ હોવાના ખેડુતોના બપાળા સામે પાક નુકસાનીનો કોઈ ઠોસ સર્વે નહિ થતાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિ-પશુપાલન, ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલને દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરીને યોગ્ય વળતરની લેખિત રજુઆત કરી છે.