ઝાલોદમાં બંધ સ્ટ્રીટલાઈટ તેમજ તુટેલા રસ્તાઓ મુદ્દે નગરજનોમાં રોષ

ઝાલોદ,

ઝાલોદ પાલિકાના કથળેલા વહીવટને લઈને સ્થાનિક રહિશો દ્વારા રજુઆત કરવામાં આવી છે. પાલિકામાં છેલ્લા ધણા સમયથી વિવિધ સમસ્યાઓ લઈને રહિશોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. જેને લઈને ગામના રહિશો દ્વારા પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારને રૂબરૂ મળીને સમસ્યા મુદ્દે રજુઆત કરાઈ હતી. જેમાં છેલ્લા 5 દિવસથી પાલિકા દ્વારા લાઈટ બિલ ભરવામાં ન આવતા સ્ટ્રીટલાઈટ બંધ હોવાથી અંધારપાટ છવાયો હતો. જેથી રાત્રિના સમયે ભયનો માહોલ જોવા મળ્યો હતો. સાથે પીવાના પાણીના પમ્પિંગ સ્ટેશનની પણ નિયમિત સાફસફાઈ ન કરાતા દુર્ગંધ મારે છે.નગરના રસ્તાઓની હાલત પણ ધણા સમયથી બિસ્માર થઈ ગયેલ હોવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ગેસ લાઈન સહિતની કામગીરી માટે ખોદેલા ખાડાઓ પણ પુરવામાં ન આવતા અકસ્માત થઈ રહ્યા છે. તેમજ હાઈવેના રસ્તા ઉપર બાંધવામાં આવતા પ્રવેશદ્વારની કામગીરી પણ ધીમી ગતિએ કરવામાં આવતા પસાર થતાં લોકોને અગવડતા ભોગવવી પડી રહી છે. આ તમામ સમસ્યાઓ મુદ્દે સ્થાનિક રહિશો દ્વારા પાલિકાના જવાબદાર અધિકારીએ રજુઆત કરવામાં આવી હતી.