પેટ્રોલ અને ડીઝલ એવી ચીજો છે, જેના ભાવ સતત વધી રહ્યા છે. જે ક્યારેય ઓછા હોય, તો આપણા ખિસ્સાને વધારે અસર પડતી નથી. ઘણીવાર લોકો કહે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલનાં ભાવ નીચે જતા રહ્યા છે,
તો પણઆપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઓછી થતી નથી. આનું કારણ શું છે? અને તમારા સુધી પહોંચતાની સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 ગણો વધારો કેવી રીતે થાય છે? સરકારોને આનો કેટલો ફાયદો થાય છે? ચાલો સમજીએ.
આજે તમામ રાજ્યોમાં પેટ્રોલના એક લીટરના ભાવ લગભગ 81 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે. જેમાં પેટ્રોલની કુલ કિંમતના 50 ટકા રકમ કંપનીઓ પાસે નહીં પણ કેન્દ્ર અને રાજ્યસરકાર પાસે ટેક્સમાં જાય છે. 81.06 રૂપિયાના ભાવે વેચાતા પેટ્રોલની પડતર કિંમત 25.37 રૂપિયા છે. જેમાં પ્રોસેસિંગ ચાર્જ 0.36 રૂપિયા લાગે છે.
એટલે ટેક્સને બાદ કરી નાખીએ તો એક લીટર પેટ્રોલની પડતર કિંમત 25 રૂપિયા 73 પૈસા થાય છે. પરંતુ તેના પર 32.98 રૂપિયા એક્સસાઈઝ ડ્યૂટી, 3.64 રૂપિયા ડીલરનું કમિશન, રાજ્ય સરકારે લગાવેલ વેટના 18.71 રૂપિયા લાગે છે. જેથી 25.73 રૂપિયાની પડતર કિંમતના પેટ્રોલના તમારે 81.06 રૂપિયા ચૂકવવા પડે છે.
1 લીટર ડીઝલની પડતર કિંમત છે 25.42 રૂપિયા. જેના પર પ્રોસેસિંગ ચાર્જ લાગે છે 0.33 રૂપિયા. જ્યારે એક્સસાઈઝ ડ્યૂટી 31.83 રૂપિયા લાગે છે…સાથે 2.52 રૂપિયા ડીલરનું કમિશન અને કમિશન સાથે વેટ 10.36 રૂપિયા લાગે છે. એટલે 25.42 રૂપિયાની પડતર કિંમતના ડીઝલના તમામરે 70.46 રૂપિયા કિંમત ચૂકવવી પડે છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતોમાં ઐતિહાસિક ઘટાડાથી લોકો પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહતની આશા રાખીને બેઠા હતા. પરંતુ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો હતો. વર્ષ 2014માં પેટ્રોલ પર ટેક્સ 9.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 3.56 રૂપિયા હતો. જેમાં નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 સુધી કેન્દ્ર સરકારે 9 વખત વધારો કર્યો. આ 15 અઠવાડિયામાં પેટ્રોલ પર ડ્યૂટી 11.77 અને ડીઝલ પર 13.47 રૂપિયા પ્રતિ લીટરમાં વધારો ઝીંક્યો હતો.
PPAC નાં જણાવ્યા મુજબ આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં એટલે કે એપ્રિલથી જૂન સુધીમાં સરકારે એક્સાઇઝ ડ્યુટી અને પેટ્રોલિયમ પેદાશો પર અલગ ટેક્સ દ્વારા રૂ. 49,914 કરોડની આવક કરી છે. આ કમાણી વધુ હોત જો કોરોનાનાં કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું ન હોત.
PPAC અનુસાર, રાજ્ય સરકારોએ વેટ, વેચાણ અને વિવિધ વેરા દ્વારા આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 29,812 કરોડ રૂપિયાની કમાણી કરી. તેલંગાણા સરકાર આખા દેશમાં સૌથી વધુ વેટ લે છે. અહીં પેટ્રોલ પર 35.20% ટેક્સ અને ડીઝલ પર 27% વેટ ટેક્સ વસૂલવામાં આવે છે. તે પછી ત્રીજા નંબરે તમિલનાડુ અને મધ્યપ્રદેશ સરકાર છે.