
ભાજપ,
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ ઝારખંડ વિધાનસભામાં રામ નવમીના સરઘસ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને લઈને હોબાળો કર્યો અને પૂછ્યું કે શું રાજ્યમાં તાલિબાનનું શાસન છે? પ્રશ્ર્નકાળ દરમિયાન, ભાજપના ધારાસભ્ય મનીષ જાયસ્વાલે માંગ કરી હતી કે હજારીબાગ રામ નવમીના સરઘસમાં ડીજેને મંજૂરી આપવામાં આવે.
આ દરમિયાન નારાજ જાયસ્વાલે નિવેદન આપતી વખતે પોતાનો કુર્તો ફાડી નાખ્યો હતો. જાયસ્વાલે આરોપ લગાવ્યો કે હજારીબાગમાં રામ નવમીની ૧૦૪ વર્ષ જૂની પરંપરાને ખતમ કરવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે નિર્દોષ લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમના મતવિસ્તાર હજારીબાગમાં પાંચ લોકો આમરણાંત ઉપવાસ પર છે અને સરઘસ દરમિયાન ડીજે ને મંજૂરી આપવાની માંગણી કરી રહ્યા છે. તેમણે પૂછ્યું કે શું હાલમાં રાજ્ય તાલિબાન શાસન હેઠળ છે?
મંત્રી મિથિલેશ ઠાકુરે દાવો કર્યો હતો કે હજારીબાગમાં ‘ડીજે’ વગાડવાની માંગ સાથે દેખાવો કરનારા ભાજપના કાર્યકરો છે. તેમણે કહ્યું, “ડેસિબલ મર્યાદા અંગે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશોનું પાલન કરવાની સૂચના છે. અમે હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ. અમે રામના સાચા ભક્ત છીએ. દરમિયાન વિધાનસભાએ રાજ્યમાં ખાનગી યુનિવસટીઓ સ્થાપવા માટે બે બિલ પસાર કર્યા.