અમે આદિત્ય ઠાકરેનાં લગ્નની જવાબદારી લેવા તૈયાર:મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી ફડનવીસ

એક વિષય પર જવાબ આપતાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આવું કહેતાં વિધાનસભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું.

રાજ્યની વિધાનસભામાં ચાલી રહેલા બજેટસત્રમાં આદિત્ય ઠાકરેનાં લગ્ન બાબતે ‘અમે તેમનાં લગ્નની જવાબદારી લેવા તૈયાર છીએ’ એવું નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું ત્યારે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આ સાંભળીને આદિત્ય ઠાકરે પણ ખડખડાટ હસી પડ્યા હતા. બજેટસત્રમાં મોટા પાયે આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે ત્યારે લગ્ન બાબતના આ વિષયથી થોડા સમય માટે વિધાનસભામાં હળવું વાતાવરણ નિર્માણ થયું હતું.

વિધાનસભામાં ગઈ કાલે પ્રહાર પક્ષના વિધાનસભ્ય બચ્ચુ કડુએ કામગારોનો પ્રશ્ર્ન રજૂ કરીને કહ્યું હતું કે ‘રાજ્યમાં ૨૫થી ૩૦ ટકા યોજનાઓ બંધ છે એને લીધે લોકોનો રોજગાર છીનવાઈ રહ્યો છે. આમ ન થાય એ માટે સરકાર કંઈ વિચારી રહી છે? કોઈ પ્રોજેક્ટ શરૂ થાય છે ત્યારે લોકો ગામ છોડીને આવે છે. પ્રોજેક્ટ બંધ કે પૂરો થાય ત્યારે આ લોકો રોજગાર ન હોવાથી રસ્તા પર આવી જાય છે. આ ટાળવા માટે ઉપાય યોજના કરવી જરૂરી છે. રોજગાર હોવાનું કહીને તેઓ લગ્ન કરે છે અને કામ બંધ થઈ જાય છે ત્યારે લગ્ન તૂટી જાય છે. આના માટે કોણ જવાબદાર? સરકારે આવા મામલામાં જવાબદારી લેવી જોઈએ.’

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જવાબ આપ્યો હતો કે ‘લગ્ન કરી આપવાની જવાબદારી સરકારની છે અને લગ્ન તૂટે તો એ સંભાળવાની જવાબદારી પણ સરકારની છે. તમે જે સૂચન કર્યું છે એ તપાસ કરીને જોઈશું. આ બાબતે નીતિ બનાવી શકાય છે કેમ એ જોઈશું.’

આદિત્ય ઠાકરેએ આ વિષયે કહ્યું હતું કે ‘ફ્લેશ પૉલિસીનો ઉલ્લેખ પ્રધાન મહોદયે કર્યો. કેટલાંક સ્થળે ઍશ ડમ્પિંગ કરવામાં આવે છે. આ રાખ ખેડૂતોના ખેતરમાં જાય નહીં એ માટે પ્રયત્ન કરવા જોઈએ. આંદોલન કરનારા કેટલાક ખેડૂતો સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે એ પાછા લેવા જોઈએ.’

જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘બચ્ચુ કડુએ આદિત્ય ઠાકરે સામે જોઈને લગ્નની જવાબદારીનો સવાલ કરેલો? સરકારે લગ્ન કરાવવાં જોઈએ. સરકાર જવાબદારી લેવા તૈયાર છે.’

આ સાંભળીને આદિત્ય ઠાકરેએ વિધાનસભામાં ઊભા થઈને કહ્યું હતું કે ‘આ જુદા પ્રકારની રાજકીય ધમકી છે? લગ્ન કરાવી દઈશું અથવા અમારી સાથે બેસો.’

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘કોઈનું પણ મોઢું બંધ કરાવવાનો ઉત્તમ ઉપાય એટલે લગ્ન. હું અનુભવ પરથી કહું છું. આદિત્ય ઠાકરેએ રજૂ કરેલા મુદ્દા મહત્ત્વના છે. અમે એના પર વિચાર કરીશું. તેમની સૂચના યોગ્ય જ છે. ઍશ મોટા પ્રમાણમાં તૈયાર થાય છે એને વહન કરવાની પરવાનગી અમે આપી છે.’

ગ્રામપંચાયતથી માંડીને મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવા સંબંધિત એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. એની ગઈ કાલે સુનાવણી થવાની શક્યતા હતી, પરંતુ સૉલિસિટર જનરલ તુષાર મહેતા સુનાવણીમાં હાજર ન રહી શક્તાં હવે આ સંબંધે ૨૮ માર્ચે સુનાવણી હાથ ધરવામાં આવશે.