સંજેલી ઐતિહાસિક પુષ્પનિવાસ પેલેસમાં તસ્કરોએ રહસ્યમ રીતે મહાદેવ ટ્રસ્ટ અને દરબાર ગઢની જમીનના કાગળની ચોરી કરી

સંજેલીના ઐતિહસિક પુષ્પનિવાસ પેલેસમાં તસ્કરોએ ત્રાટકીને સોના-ચાંદી કે રોકડને બદલે માત્ર જમીનના કિંમતી દસ્તાવેજોની ચોરી કરતા ચકચાર મચી જવા પામી છે. મહેલની તિજોરી ખુલ્લી હોવા છતાં કિંમતી ધરેણા સુરક્ષિત રહેતા આ ધટનામાં કોઈ ‘જાણભેદુ’ શખ્સની સંડોવણી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. શ્રી રતનેશ્ર્વર મહાદેવ ટ્રસ્ટ અને દરબારગઢની જમીનના કાગળો જ લક્ષ્ય બનાવીને કરવામાં આવેલી આ અજીબ ચોરીએ પોલીસ તપાસમાં નવો વળાંક આણ્યો છે.

સંજેલીના ઐતિહાસિક પુષ્પનિવાસ પેલેસમાં તસ્કરોએ ત્રાટકીને એક રહસ્યમય ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરો મહેલના દરવાજાનો કાચ તોડી અંદર પ્રવેશી તિજોરી સહિતનો સામાન ફંફોળ્યો હતો. જોકે નવાઈની વાત તો એ છે કે, તસ્કરોએ સોના-ચાંદીના દાગીના કે રોકડને હાથ પણ લગાવ્યો નથી. પરંતુ માત્ર જમીમ સંબંધિત કિંમતી દસ્તાવેજો ચોરી કરી છે. ધટના સમયે મહેલના રહેવાસી કામખ્યાસિંહ ચોૈહાણ માતાની સારવાર અર્થે બહારગામ હતા. ૧ મેએ કર્મચારીએ મહેલનો દરવાજો તુટેલો જોતા ચોરીની જાણ થઈ હતી. તપાસ દરમિયાન મલુમ પડ્યુ કે, તિજોરી ખુલ્લી હોવા છતાં કિંમતી સામાન અકબંધ હતો. પરંતુ પેટી ઉપર રાખેલ શ્રી રતનેશ્ર્વર મહાદેવ ટ્રસ્ટ પ્રતાપપુરાના જમીનના જુના દસ્તાવેજ અને સંજેલી જુના દરબારગઢ ની જમીનના અગત્યના કાગળો ગાયબ હતા. આ ધટના પરથી સ્પષ્ટ જણાય છે કે, તસ્કરો કોઈ કિંમતી સામાન ચોરવાના ઈરાદે નહિ, માત્ર જમીન સંબંધિ કાયદાકિય દસ્તાવેજો મેળવવાના બદ્ઈરાદે મહેલમાં ધુસ્યા હતા. આ કિસ્સામાં કોઈ જાણભેદુની સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં સંજેલી પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.