કર્ણાટકમાં દાદા કમાલ કરશે !કર્ણાટકમાં વસતા અને વ્યાપાર ધંધો કરતા ગુજરાતી સમાજના આગેવાનો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકો કરશે

  • આગામી દિવસોમાં ગુજરાત ભાજપના હોદેદારો પણ કર્ણાટક જશે.

અમદાવાદ,

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ભાજપ માટે આ ચૂંટણીઓ શાખનો વિષય છે. તેથી પીએમ મોદી પણ કર્ણાટકમાં વિવિધ સભાઓ ગજવીને વોટબેંક પર કબજો કરવા પ્રયાસ કરી રહ્યાં છે. એજ કારણ છેકે, પ્રધાનમંત્રી મોદી સહિત ભાજપના તમામ ધૂંરંધરો એક બાદ એક કર્ણાટકનો પ્રવાસ ખેડીને ત્યાં જાહેર સભાઓ ગજવી રહ્યાં છે. ત્યારે આ સ્થિતિની વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર કર્ણાટકમાં ચૂંટણી પ્રવાસે જશે તેવી માહિતી સામે આવી છે.

કર્ણાટકમાં ચૂંટણીની જાહેરાત પહેલા ગુજરાતના મુખ્યમંત્રીનો પ્રવાસ ખુબ જ મહત્ત્વનો માનવામાં આવે છે. ૨૬ માર્ચે કર્ણાટકના એક દિવસના પ્રવાસે જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. કર્ણાટક પ્રવાસ, દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં વસતા અને વ્યાપાર ધંધો કરતા ગુજરાતી સમાજના આગેવાનો સાથે બેઠકો કરશે. જ્યાં તેમની સાથે બેઠકો કરીને વ્યાપારીઓના પ્રશ્ર્નો જાણવાનો પ્રયાસ કરશે. સાથે જ ફરી એકવાર કર્ણાટકમાં ભાજપ સરકાર બનાવવા વ્યાપારીઓને અપીલ કરશે.

ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભૂપેન્દ્ર પટેલે અગાઉની તમામ સરકારોના ચૂંટણીના રેકોર્ડ તોડીને એક નવો ર્ક્તિીમાન સ્થાપિત કર્યો છે. ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીના રેકોર્ડની સાથો સાથ કોંગ્રેસની સરકારમાં માધવસિંહ સોલંકીનો અત્યાર સુધીનો જે સૌથી મોટો રેકોર્ડ હતો વધારે બેઠકો જીતવાનો એને પણ તોડી નાંખ્યો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ૧૫૬ સીટી પર ભાજપને બહુમત હાંસલ કરાવીને ફરી એકવાર રાજ્યમાં ભાજપ સરકાર બનાવી છે. ત્યારે હવે દાદાના હુલામણા નામે જાણીતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર્ણાટકમાં કમળ ખિલશે.

મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર અન્ય રાજ્યના ચૂંટણી પ્રચારમાં જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. આ લિહાઝથી ભૂપેન્દ્ર પટેલ માટે પણ આ એક નવો અનુભવ હશે. મહત્ત્વનું છેકે, હાઈકમાન્ડ તરફથી પણ તેમને કોઈ મોટી જવાબદારી સોંપાઈ શકે છે. ભાજપે કર્ણાટક જાળવવા લગાવ્યું છે પુરેપુરું જોર. હાલમાં કર્ણાટકમાં ધર્મેન્દ્ર પ્રધાન સાથે મનસુખ માંડવિયાને સહ પ્રભારી તરીકે સોંપાઈ છે જવાબદારી. આગામી દિવસોમાં ગુજરાત ભાજપના હોદેદારો પણ કર્ણાટક જશે.