કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા, જામીન પર થશે કાલે સુનવણી

કોમેડિયન ભારતી સિંહની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ભારતી અને તેના પતિ હર્ષ લિંબાચિયા પર NCBએ શિકંજો કસ્યો છે. ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને મુંબઈના કિલા કોર્ટે ડ્રગ્ઝ કેસમાં જ્યૂડિશિયલ કસ્ટડિમાં રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે ભારતી અને હર્ષને કોર્ટમાં પોતાની પોતાની જામીન અરજી કરી છે જેની સોમવારે સુનવણી થશે.

ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને 4 ડિસેમ્બર સુધી જ્યૂડિશિયલ કસ્ટડિમાં મોકલવામાં આવ્યા છે. ભારતી સિંહને કલ્યાણ જેલમાં શિફ્ટ કરવામાં આવશે જ્યારે હર્ષને ટલોજા જેલમાં લઈ જવામાં આવશે. ડ્રગ્ઝ કેસ હોવાથી જામીન અરજી કિલા કોર્ટમાં દાખલ થશે. હવે બંન્નેની અરજી પર સુનવણી સોમવારે થશે જે બાદ ખબર પડશે કે ભારતી સિંહને રાહત મળશે કે નહી.

ઉલ્લેખનિય છે કે, મુંબઈમાં ભારતીના ઘર પર NCBએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ત્યાંથી ગાંજો જપ્ત કરવામાં આવ્યો. પુછપરછમાં ભારતી સિંહે કબુલ્યુ કે તેણે ડ્રગ્ઝ લીધું હતું. લગભગ 6 કલાકની પુછપરછ બાદ ભારતીની ધરપકડ કરવામાં આવી હતી. તે બાદ રાત્રે તેના પતિ હર્ષની પણ ધરપકડ કરવામાં આવી.

રવિવારે સૌથી પહેલા ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને મેડિકલ અને કોરોના ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા અને સવારે 11.30 કલાકે બંન્ને કોર્ટમાં હાજર થયા. તેમની સાથે બે ડ્રગ પેડલર પણ કોર્ટમાં હાજર થયો. કોર્ટ પાસે NCBએ ભારતીના પતિ હર્ષની રિમાન્ડની માંગ કરી હતી પરંતુ તેને સફળતા મળી શકી નહોતી. જે બાદ કોર્ટે બંન્નેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં જેલ મોકલી દીધાં જ્યારે બે પેડલર્સની રિમાંડ NCBને મળી ગઈ છે.