હવે વિધાનસભામાં કિરણ પટેલનું નામ ગાજ્યું,ડબલ એન્જિનની સરકારમાં આઇબી કંઈ કરી નથી શક્તી: કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર

  • આઇએએસ-આઇપીએસની પણ જાસૂસી થાય છે.

ગાંધીનગર,

વિધાનસભા બેઠકમાં આજે ગૃહ વિભાગના માંગણીઓ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસના સભ્યએ સરકારને આડે હાથ લેવાનો પ્રયાસ કર્યો હતો. કિરણ પટેલના મુદ્દે સરકારી કામગીરી સામે સવાલ ઉઠાવાતાં ભાજપના ધારાસભ્યો જીતુ વાઘાણી અને ઉદય કાનગડ બચાવની ભૂમિકામાં આવી અને ગૃહ વિભાગની કામગીરીની વાહવાહી કરવા લાગ્યા હતા. કોંગ્રેસના રાજમાં રાજકીય હત્યા થતી હોવાના ભાજપના ધારાસભ્યના આક્ષેપ વચ્ચે હરેન પંડ્યાની હત્યા અંગે જવાબ આપવા પણ કોંગ્રેસના ધારાસભ્યોએ સામૂહિક કોમેન્ટ કરી હતી.

શૈલેષ પરમારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવતાં જણાવ્યું કે, રાજ્યમાં કરાઈ એકેડેમીમાં બોગસ પીએસઆઇ, આઈએએસ અને આઇપીએની જાસૂસી થવી, પેપરલીક જેવી ઘટના બનવી, સરકારી પાયલટ બે વર્ષ સુધી અંગત ઉપયોગ માટે સરકારી વિમાનનો દુરુપયોગ કરવો, આ સ્થિતિ પરથી લાગે છે કે રાજ્યમાં કાયદો અને સલામતીની સ્થિતિ સારી નથી.

શૈલેષ પરમારે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના દુષણ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, જેમ ડબલ એન્જીનની સરકાર છે. તેમ ગૃહ વિભાગ પણ ડબલ એન્જીનથી ચાલે છે. ગૃહ વિભાગના પ્રથમ એન્જીન એટલે બાતમીદાર અને બીજું એન્જીન એટલે વહીવટદાર. ગૃહ વિભાગનું જેટલું બજેટ નથી એટલી રકમનો દારૂ અને ડ્રગ્સ પકડાય છે. રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિલપ્ત રાયને અભિનંદન આપું છે. જો કે, નિલપ્ત રાયની પણ જાસૂસી કરવામાં આવે છે. તે રેડ પાડવા જવાના હોય તે પહેલાં બુટલેગરને રેડની ખબર પડી જાય છે. જે પોલીસ વિભાગ માટે શરમજનક બાબત છે.

પોલીસ તંત્ર બે ભાગમાં વહેંચાઈ ગયું હોવાનો દાવો કરતાં શૈલેષ પરમારે જણાવ્યું કે, પોલીસ અને સ્કવોર્ડ આમને-સામને આવી ગઈ છે. વહીવટદારો હપ્તા ઉઘરાવાનું કામ કરે છે અને તે જ વહીવટદારોને લીધે સ્કવોર્ડ રેડ પાડી શક્તી નથી. શૈલેષ પરમારે રાજ્યના પોલીસ સ્ટેશનમાં ચાલતા વહીવતદારોના રાજ પર સવાલ ઉઠવ્યા હતા. વહીવટદારોને લીધે દારૂનું વેચાણ વધી રહ્યું છે. વહીવટદારોને લીધે બુટલેગરો સામે કાર્યવાહી થતી નથી.

રાજ્યમાં નેશનલ ફેમિલી હેલ્થના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં મહિલાઓમાં દારૂનું વ્યસન વધી રહ્યું છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૨ સુધી ૧૪૩૨૨ બળાત્કારના ગુના નોંધાયા છે. જેમાં માત્ર ૨૩૧ ગુનાઓ સાબિત થયા છે. રાજ્યના પોલીસ વિભાગમાં ૧૪ હજાર જગ્યાઓ ખાલી છે જે ભરવામાં આવતી નથી. આ ઉપરાંત શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, મારા મત વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. રાજ્ય સરકારને પત્ર લખીને જાણ કરવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

તાજેતરમાં જ મહાઠગ કિરણ પટેલને ઢ સિક્યુરિટી આપવાનો મુદ્દો ચર્ચાના એરણે છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યએ સરકારને આ મુદ્દે આડે હાથ લીધી હતી. શૈલેષ પરમારે જણાવ્યું કે, ડબલ એન્જીનની સરકાર ચાલી રહી છે ત્યારે કિરણ પટેલ જેવી ઘટના બનવી એ અત્યંત શરમજનક છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં નોકરી કરતાં હોવાનું જણાવી સરકારી તંત્રનો દુરુપયોગ કરનારા કિરણ પટેલના તાર ગુજરાત સુધી જોડાયેલા છે તેમ છતાં રાજ્યની આઈ.બી. કંઈ જ કરી શકી નથી.

ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે પોતાના મંતવ્યો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ જ્યારે કાયદો અને વ્યવસ્થાની વાત કરે તો પીડા એટલા માટે થાય છે કેમ કે ચૂંટણી થતી ત્યારે મંત્રી સ્તરના નેતાઓની રાજકીય હત્યા થતી હતી . સૌરાષ્ટ્ર વિસ્તારમાં જેલ બંધ કરવામાં આવતી અને જેલની આસપાસના જે તે વિસ્તારના બ્રીજ પાસે બોર્ડ લગાવવામાં આવતા હતા કે કાયદો અને વ્યવસ્થાની હદ અહીં પૂરી થાય છે.